Today Gujarati News (Desk)
ભારતથી 5 હજાર કિમી દૂર આવેલા આફ્રિકાના સુદાન દેશમાં ગૃહયુધ્ધ ફાટી નિકળ્યું છે. સુદાન સેના અને પેરામિલિટરી ફોર્સ વચ્ચે સત્તા કબ્જે કરવા માટેની લડાઇમાં લાખો લોકો ઘરની બહાર નિકળી શકતા નથી. પાટનગર ખાર્ટુમમાં પરીસ્થિતિ ખૂબજ ગંભીર છે. પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટક રાજયના હક્કી પિક્કી સમુદાયના 31 લોકો સુદાનના અલ ફશેર શહેરમાં ફસાયેલા છે.
કર્ણાટક રાજયમાં રહેતો આ કબિલાઇ જન સમુદાય છે જેઓ ઔષધિય ઝાડ પાન અને દવાઓનું ખૂબ જ્ઞાન ધરાવે છે. આફ્રિકાના દેશોમાં મોંઘી એલોપેથીની દવાઓના સ્થાને દેશી દવાઓની માંગ વધારે રહે છે. હાક્કી પિક્કી કબીલાઇઓ આફ્રિકાના દેશોમાં જઇને જડીબુટ્ટીઓનો વેપાર કરે છે. હાક્કી પિક્કી અટપટ્ટા લાગતા આ નામનો અર્થ જાણવો જરુરી છે.
કન્નડ ભાષામાં હક્કીનો અર્થ પક્ષી અને પિક્કીનો અર્થ પકડવું એવો થાય છે. જે સમુદાય પક્ષીઓ પરંપરાગત રીતે પક્ષીઓ પકડે છે તે હાક્કી પિક્કી છે. 1970માં પક્ષીઓના શિકાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યા પછી આ સમુદાયનું પુર્નવસન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી તેઓ ખેતરમાં ખેત મજૂર તરીકે કામ કરવા લાગ્યા. કેટલાક શહેરોમાં આવીને સાયકલ પર ફરીને ચાકુ અને કાતરની ધાર કાઢીને રોજગારી મેળવવા લાગ્યા.
આ સમુદાયના લોકો પરંપરાગત ઔષધિઓને જડીબુટ્ટીઓના જાણકાર છે. તેઓ રોગ મટાડતી જડીબુટ્ટીઓ પણ વેચે છે. હક્કી પિક્કી સમુદાયના આદિવાસીઓ કર્ણાટકમાં મુખ્યત્વે શિમોગા, દ્વાવણગેરે અને મૈસૂરમાં રહે છે.દક્ષિણ ભારતમાં રહેતા હોવા છતાં તેઓ ઇન્ડો આર્યન ભાષા બોલે છે. તેઓની માતૃભાષા વાગરી છે જેને સમુદાય સિવાયના લોકો ખાસ સમજી શકતા નથી. યૂનેસ્કોએ હક્કી પિક્કી સમુદાયની ભાષાને વિશ્વની લૂપ્ત થતી ભાષામાં સ્થાન આપ્યું છે.