Today Gujarati News (Desk)
રાજ્યભરમાં પવિત્ર યાત્રાધામોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી સફાઈ ઝૂંબેશ શરુ કરવામાં આવી છે. આ માટે આજે અખાત્રીજના પાવન દિવસે રાજ્યના એક સાથે 24 યાત્રાધામો પર સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ સફાઈ ઝૂંબેશમાં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સહિત ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યો જોડાયા હતા. આજે સોમનાથ, દ્વારકા, ગીરનાર, અંબાજી સહિત મંદિરોમાં આજે સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે.
વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે ભાજપ દ્વારા રાજયના 24 મોટા મંદિરોમાં સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ સફાઈ ઝૂંબેશમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં સફાઈ કરી છે. આ ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સુરતના અંબાજી મંદિરમાં સફાઈ કરવામાં આવી છે. આજે સોમનાથ, દ્વારકા, ગીરનાર, અંબાજી સહિત મંદિરોમાં આજે સફાઈ હાથ ધરાશે. આ સફાઈ ઝૂંબેશમાં ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યો અને સાંસદો જોડાશે.
મુખ્યમંત્રીએ રાજકોટથી સફાઇ ઝૂંબેશની શરૂઆત કરાવી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજકોટમાં બાલાજી મંદિર ખાતે ભગવાન કષ્ટભંજન દેવના દર્શન કરી શહેરના વિવિધ વોર્ડના કર્મચારીઓની ઉપસ્થિતિમાં ‘યાત્રાધામ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ મહાનુભાવો સાથે રાજકોટ ખાતે આવેલા કરણસિંહ હાઈસ્કૂલના બાલાજી હનુમાન મંદિરના પરિસરની સફાઇ ઝૂંબેશની શરૂઆત કર્યા બાદ સફાઇ કામદારો સાથે સંવાદ કર્યો અને સ્વચ્છતા અભિયાનમાં તેમના સહયોગને બિરદાવ્યો હતો. આ ઉપરાંત અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે હર્ષ સંઘવી, ગાંધીનગરના અક્ષરધામ ખાતે જગદીશ વિશ્વકર્મા, ઊંઝા ઉમિયા ધામ ખાતે ઋષિકેશ પટેલે સફાઈ કરી હતી.