Today Gujarati News (Desk)
અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાની તપાસની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ ત્રણ અઠવાડિયા પછી સુનાવણી કરશે. અરજીમાં પોલીસની હાજરીમાં અતીક-અશરફની હત્યાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની આગેવાની હેઠળ સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી હતી.
યુપી સરકારે આપ્યો આ જવાબ
આ કેસમાં સુપ્રીમકોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને પૂછ્યું કે માફિયા બંધુઓ અતીક અને અશરફને લઈ જતા વાહનને સીધા હોસ્પિટલ કેમ ન લઈ જવામાં આવ્યા? તેના પર ઉત્તરપ્રદેશ સરકારે કહ્યું કે તેઓએ આ મામલાની તપાસ માટે એક કમિશનની નિમણૂક કરી છે. મુકુલ રોહતગી ઉત્તરપ્રદેશ સરકાર વતી કોર્ટમાં હાજર થયા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ ઘટના ટીવી પર જોઈ છે. બંનેને કારમાં સીધા હોસ્પિટલ કેમ ન લઈ જવાયા. તેમની પરેડ શા માટે કરવામાં આવી હતી?
યુપી સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો
જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે ઝાંસીમાં અહેમદના પુત્ર અસદના પોલીસ એન્કાઉન્ટર પર યુપી સરકાર પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો. અસદને 13 એપ્રિલના રોજ યુપી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (ST)ની ટીમ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. બે દિવસ પછી, અતીક અહેમદ અને અશરફને મીડિયા કર્મચારીઓના વેશમાં આવેલા ત્રણ લોકોએ ગોળી મારી દીધી હતી.
હવે આ મામલે ત્રણ સપ્તાહ બાદ સુનાવણી થશે
આ ઘટના ત્યારે બની જ્યારે તેને પોલીસ સુરક્ષા હેઠળ સ્વાસ્થ્ય તપાસ માટે પ્રયાગરાજની મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવી રહ્યો હતો. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ આ અરજી દાખલ કરી છે. અરજીમાં 2017થી ઉત્તર પ્રદેશમાં થયેલા 183 એન્કાઉન્ટરોની તપાસની માંગ કરવામાં આવી છે. હવે આ મામલે ત્રણ સપ્તાહ બાદ સુનાવણી થશે.