Today Gujarati News (Desk)
ઉત્તર પ્રદેશમાં ગઈકાલે મોડી રાત્રે માફીયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ અગાઉ બે દિવસ પહેલા જ અતીકના પુત્ર અસદનું ઝાંસીમાં એસટીએફ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. અતીકનું નામ વર્ષ 2005માં બહુજન સમાજવાદી પાર્ટીના રજૂ પાલની હત્યાના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યા કેસમાં સામે આવ્યુ હતું. અતીક અહેમદ પર 100 કરતા પણ વધુ કેસ થયેલા હતા.
અતીકનો જન્મ વર્ષ 1962માં 10મી ઓગસ્ટના રોજ થયો હતો. અતીક અહેમદના લગ્ન શાઈસ્તા પરવીન સાથે થયા હતા અને તેમના પાંચ બાળકો છે. અતીકની સાથે તેના ભાઈ અશરફ, પત્ની શાઈસ્તા અને તેમના બાળકો અલી અને ઉમર અહેમદ વિરુદ્ધ પણ કેસ નોંધાયા છે. અતીકે આજથી 44 વર્ષ પહેલા વર્ષ 1979માં ગુનાની શરુઆત કરી હતી. અતીક પર માત્ર 17 વર્ષની ઉંમરે હત્યાનો આરોપ લાગ્યો હતો.
અતીક અહેમદ વર્ષ 1989માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયો હતો. અતીક અહેમદે પોતાનું રાજ્ય સ્થાપિત કરવાનો પ્રયાસ શરૂ કર્યો અને 80ના દાયકાના કુખ્યાત ચાંદ બાબાની હત્યા કરી હતી. ચાંદ બાબાની હત્યા થયા બાદ અતીકે ખુલ્લેઆમ ગુંડાગીરી શરૂ કરી હતી. અતીકે અહેમદ સામે જેણે પોતાનો અવાજ ઉઠાવ્યો તેની હત્યા કરી નાખવામાં આવી અથવા તો તેને કોઈપણ ભોગે શાંત કરી દેવામાં આવતો. ઝાલવાના સૂરજકાલીના પતિની 12 વીઘા જમીન પડાવી લેવા માટે પણ હત્યા કરવામાં આવી હતી.
યુપી પોલીસને ખુલ્લો પડકાર આપ્યો હતો
અતીક અહેમદ અને તેના ભાઈ અશરફે વર્ષ 2005માં રાજુ પાલ મર્ડર કેસ અને સાક્ષી ઉમેશ પાલનું અપહરણ કરીને યુપી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. થોડા દિવસો બાદ બંનેને પકડીને છોડી દેવામાં આવ્યા હતા. 24 ફેબ્રુઆરીએ સુલેમ સરાયના જીટી રોડ પર ઉમેશ પાલ અને બે બંદૂકધારીઓને ગોળીઓથી ઠાર કરી દીધા હતા. આ હત્યાકાંડ બાદ પોલીસ શૂટરોની શોધમાં હતી ત્યારે જ સાંસદ-ધારાસભ્ય કોર્ટે ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહેમદને આજીવન કેદની સજા ફટકારી હતી. અતીક અને અશરફને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.