Today Gujarati News (Desk)
હિન્ડેનબર્ગ રિસર્ચ ફર્મનો અહેવાલ અદાણી ગ્રૂપ માટે એક પછી એક મુશ્કેલી સર્જી રહ્યો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને હવે વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. NSE તરફથી અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પોર્ટ્સના શેરોને વોચ લિસ્ટમાં મૂક્યા પછી અદાણી એન્ટરપ્રાઇઝિસના સ્ટોકને હવે ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાંથી બહાર કાઢવાની તૈયારી કરાઈ છે. 7 ફેબ્રુઆરીથી આ પ્રક્રિયા શરૂ થશે આ માહિતી યુએસ માર્કેટ દ્વારા આપવામાં આવી છે.
7 ફેબ્રુઆરીથી કાર્યવાહી કરાશે
અમેરિકી સ્ટોક એક્સચેન્જે S&P ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સમાંથી અદાણી એન્ટરપ્રાઈઝને દૂર કરવાની જાહેરાત કરી હતી. તેના પર સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડના આરોપો લાગ્યા છે. ઇન્ડેક્સની જાહેરાત જણાવે છે કે S&P ડાઉ જોન્સ ઈન્ડેક્સ મંગળવાર, ફેબ્રુઆરી 7, 2023 ના રોજ ખુલતા પહેલા ફેરફારોને અસરકારક બનાવશે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા છ સત્રોમાં, NSE પર અદાણી એન્ટરપ્રાઈઝના શેરની કિંમત ₹3,442 થી 55 ટકા ઘટીને ₹1,565ના સ્તરે પહોંચી ગઈ છે.
આરબીઆઈએ પણ અદાણી સંબંધિત માહિતી માગી
આરબીઆઈએ તમામ બેંકો પાસેથી અદાણી એન્ટરપ્રાઈઝને આપવામાં આવેલી લોન અંગે માહિતી માંગી છે. તે જ સમયે, અદાણી ગ્રૂપે રૂ. 20,000 કરોડના સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ્ડ એફપીઓ રદ કરવાની અને રોકાણકારોને નાણાં પરત કરવાની વાત કરી છે. હવે અમેરિકન શેરબજારને પણ ઝટકો લાગ્યો છે.