Today Gujarati News (Desk)
સંસદમાં બજેટ સત્રનો આજે ચોથો દિવસ છે. ફરી એકવાર અદાણી મામલે બંને ગૃહોમાં વિપક્ષે જોરદાર હોબાળો મચાવ્યો હતો. જેના બાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ વિપક્ષી દળોના નેતાઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સરકારને ઘેરવાની રણનીતિ અંગે ચર્ચા કરાઈ હતી.
મોદી-શાહ દૂધ નહીં પીતા હોય પણ બાળકો માટે તો જરૂરી : અધીર રંજન ચૌધરી
અદાણી મુદ્દે વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયાસ કરતાં લોકસભાની કાર્યવાહી બપોરના ર વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરાઈ હતી. જ્યારે રાજ્યસભાની કાર્યવાહી અઢી વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. બીજી બાજુ કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે જો અમૂલ દૂધના ભાવમાં આ રીતે વધારો ઝિંકાતો રહેશે તો સૌથી વધુ અસર તો સામાન્ય નાગરિકોને જ થવાની છે. પીએમ મોદી કે ગૃહમંત્રી અમિત શાહ તો દૂધ પીતા નહીં હોય પણ દેશના બાળકો માટે તો દૂધ જરૂરી હોય છે. દૂધના ભાવ વધારી સરકારે તેની નિયત સ્પષ્ટ કરી દીધી છે.