Today Gujarati News (Desk)
અમૃતસરના મોહકમપુરા વિસ્તારમાં એક સ્મશાન ગૃહમાં જાન આવી. સ્મશાનમાં જ લગ્નની રસ્મો પૂરી કરવામાં આવી અને યુવતીની વિદાય પણ ત્યાંથી જ કરવામાં આવી. આ પહેલી ઘટના છે કે કોઈ સ્મશાનમાંથી ડોલી ઉઠી હોય. નવ દંપતીએ પોતાના નવા જીવનની શરૂઆત મોહકમપુરાના બિલ્લા વાલા ચોક સ્થિત સ્મશાન ગૃહથી કરી છે.
યુવતીનો પરિવાર ગરીબ છે અને સ્મશાન ગૃહમાં જ રહે છે. યુવતી પોતાના દાદા-દાદી સાથે રહેતી હતી. દાદાનું થોડા સમય પહેલા મોત નીપજ્યુ છે. હવે દાદી અને પૌત્રી જ સ્મશાન ગૃહમાં બનેલા નાના જૂના ઘરના રૂમમાં રહે છે. દાદીને પૂજાના લગ્નની ચિંતા હતી. પરિવાર ગરીબ હોવાના કારણે પુત્રીના લગ્ન માટે પેલેસ બુક કરાવી શકે તેમ નહોતા. વિસ્તારના રહેવાસીઓએ જાનના ભોજન, શગુન, પરિવાર માટે જરૂરિયાતની સામગ્રી વગેરેની મદદ કરીને પુત્રીના લગ્ન કર્યા અને ત્યાંથી સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી.
વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા અનુસાર સ્મશાન ગૃહમાં આ લગ્ન કરવામાં આવ્યા છે. સ્મશાન ગૃહમાં દાદી અને તેમની એક પૌત્રી ઘણા સમયથી રહેતા હતા. દાદીની ઉંમર પણ ખૂબ વધુ છે. વિસ્તારના રહેવાસીઓએ પુત્રી માટે એક યુવક શોધ્યો અને લગ્ન કરાવી આપ્યા. યુવકના પરિવારને પણ સ્મશાન ગૃહમાં રહેતા પરિવારની યુવતી સાથે લગ્ન કરવા અંગે કોઈ વાંધો નહોતો. જેના કારણે લોકોના સહયોગથી લગ્નની તમામ રસ્મોને પૂરી કરીને યુવતીની વિદાય કરવામાં આવી. વિસ્તારના રહેવાસીઓએ કહ્યુ કે સ્મશાન કરતા પવિત્ર બીજુ કોઈ સ્થાન નથી. એક દિવસ દરેકે અહીં આવવાનુ જ છે.