Today Gujarati News (Desk)
શહેરના નિવૃત્ત IASના પુત્રની દાદાગીરી સામે આવ્યા બાદ તેની અટકાયત કરવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં બનેલી ઘટનામાં IASના પુત્ર આશિષ ત્રિપાઠીએ કરેલા હુમલાની ઘટનામાં એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં કાર્યવાહી કરીને આરોપી યુવકની ધરપકડ પણ કરવામાં આવશે. બોડકદેવ પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવીને વધુ તપાસ શરુ કરી છે. આ કેસની તપાસ એસસી-એસટી સેલને પણ સોંપવામાં આવી છે.
ટેક્સ વસૂલવા માટે ગયેલી AMCની ટીમ પર આશિષે હુમલો કરી દીધો હતો, આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેના આધારે તપાસ કરીને ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આશિષના પિતા વર્ષ 2003 મ્યુનિસિપલ કમિશનર પણ રહી ચૂક્યા છે.
અમદાવાદમાં ક્યાં બની હતી ઘટના?
શુક્રવારે રાજપથ ક્લબની પાછળ આવેલી મિલકત મુદ્દે AMCની ટીમ બાકી રહેલા ટેક્સની વસૂલાત માટે ગઈ હતી ત્યારે આવેશમાં આવેલા નિવૃત્ત IASના પુત્રએ છરી લઈને ટીમ પર હુમલો કર્યો હતો. આશિષે મહિલા કર્મચારી સામે અભદ્ર વર્તન પણ કર્યું હતું. આશિષ સામે ફરિયાદ નોંધાયા બાદ તેની અટકાયત કરવામાં આવી હતી. આ કેસમાં એટ્રોસિટીની ફરિયાદ થઈ હોવાથી આરોપી સામેની ફરિયાદને તપાસ માટે એસસી-એસટી એક્ટને પણ મોકલાઈ છે.
આ હુમલાની ઘટનાના કારણે કર્મચારીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો. જીવલેણ હુમલાની ઘટના બનતા સરકારી કામગીરી કરવા જતા કર્મચારીઓ પણ ભયનો માહોલમાં જીવી રહ્યા હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
કોણ છે હુમલો કરનારો આશિષ ત્રિપાઠી?
નિવૃત્ત IASના પુત્રએ AMC કર્મચારી પર ચાકુથી હુમલો કર્યો હતો. AMC કર્મચારી પર છરી વડે હુમલો કરનારનું નામ આશિષ ત્રિપાઠી છે. આર. કે. ત્રિપાઠીના પુત્ર આશિષ ત્રિપાઠીએ ટેકસ માટે નોટિસ અને સીલ આપવા આવેલા કર્મચારી પર હુમલો કર્યો હતો. આરકે ત્રિપાઠી પૂર્વ મ્યુનિસિપલ કમિશનર છે. જેઓ વર્ષ 2003 દરમિયાન અમદાવાદના કમિશનર રહી ચૂક્યા છે. તેમણે 07 મે, 03થી 27 જાન્યુઆરી, 05ના કાર્યકાળ દરમિયાન અમદાવાદના કમિશનર તરીકે ફરજ નિભાવી હતી. નોંધનીય છે કે, 71 હજારનો બાકી ટેકસ હોવાનું જાણવા મળી રહ્યું છે.