Today Gujarati News (Desk)
અમદાવાદઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આવામાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદ થયો છે. વરસાદ થતા અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ભરબપોરે શિયાળામાં માવઠું થતા સમૂહ લગ્નમાં નાસભાગ મચી ગઈ હતી.
શહેરના ઈસનપુર વિસ્તારમાં યોજાયેલા સમૂહ લગ્નમાં વિવિધ તૈયારીઓ ચાલી રહી હતી અને જેમાં વરરાજા અને દૂલ્હનને તૈયાર કરવા સહિતની કામગીરી લગ્નમાં જોડાયેલા લોકો દ્વારા કરવામાં આવી રહી હતી. આવામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને લોકો કશું સમજે તે પહેલા તો તોફાની ઝાપટું તૂટી પડ્યું હતું.
શરુઆતમાં તો લગ્નમાં આવેલા મહેમાનો વરસાદથી બચવા માટે ઝાડ નીચે અને મંડપ નીચે ઉભા રહ્યા હતા પરંતુ કમોસમી વરસાદનું જોર વધતા લોકોએ પલળી ના જવાય તે માટે સુરક્ષિત સ્થળ પર પહોંચવા માટે દોડવા લાગ્યા હતા. મંડપની અંદર પણ પાણી પડતા લોકોએ દોડધામ કરી મૂકી હતી.
મોડો-મોડો શિયાળો જામ્યા બાદ અચાનક હવામાનમાં પલટો આવતા રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદ થયો છે. અમદાવાદ સહિત ભાવનગર, અરવલ્લી, મહિસાગર, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, સુરત સહિતના ભાગોમાં વરસાદ નોંધાયો છે.
ઈસનપુરમાં લગ્નમાં વરસાદ તૂટી પડતા જે લોકો જમણવાર કરી રહ્યા હતા તેઓને પણ મંડપની અંદર પલળી જવાનો ડર લાગતા અંતમાં ત્યાંથી જમવાનું ભરેલી થાળીઓ લઈ સુરક્ષિત સ્થળ પર ભાગવા લાગ્યા હતા. પુરુષો, મહિલા અને બાળકો લગ્નના રંગમાં હતા અને વરસાદ ભંગ પાડી દીધો હતો.
શરુઆતમાં મંડપની નીચે ઉભા છીએ તો વાંધો નહીં આવે તે માનીને ઉભેલા લગ્નમાં આવેલા મહેમાનો પણ વરસાદે જોર પકડતા ત્યાંથી જમવાની થાળીઓ હાથમાં લઈને જ દોડતા થયા હતા. ઘડીવારમાં તો મંડપ નીચે ઉભેલા એક પછી એક લોકોએ દોડાદોડી કરી મૂકી હતી.
સોમનાથ મહાદેવ દ્વારા ઈસનપુરમાં દાદાની દીકરી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં ભાગ લેનારા વરરાજા અને દુલ્હનની સાથે પરિવારના સભ્યો અને જાનૈયાઓને આ લગ્ન યાદ રહી જશે. માવઠું પડ્યા બાદ અટકી ગયા પછી પણ લગ્નમાં આવેલા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.