Today Gujarati News (Desk)
અમદાવાદમાં પારિવારિક કલેહની અનેક ઘટનાઓ સામે આવે છે. આવી ઘટનાઓમાં ક્યાંય સંસાર તૂટે છે અથવા તો મામલો પોલીસ સુધી પહોંચી જતો હોય છે. ત્યારે શહેરમાં પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો પતિ રાતથી ગાયબ હતો. પરંતુ જ્યારે તે તેના બાળક માટે મિલ્ક પાવડર લેવા માટે નીકળી ત્યારે તેણે તેના પતિને ગાડી લઈને જતો જોયો હતો. તેણે ગાડીની આગળ જઈને ઉભી રહેતાં જ તેના પતિએ તેની પર ગાડી ચડાવી દેવાની કોશિષ કરી હતી. આ ઘટનામાં પત્નિ અને તેની માતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમાં બોપલ આંબલીમાં રહેતી પરીણિતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, મારા પતિ રાતના સમયથી જ ઘરે આવ્યા નથી. હું મારા પિતાની ગાડી લઈને મારી મમ્મી તથા બહેન સાથે નીકળી હતી. આ દરમિયાન મારા બાળક માટે મિલ્ક પાવડરની ખરીદી કરીને નીકળી તો ત્યાંથી મારા પતિની મર્સિડિઝ કાર જતાં જોઈ હતી. આ કારની પાછળ જઈને મેં જોયું તો તેમાં મારા પતિ સહિત અન્ય બે જણા બેઠા હતાં.
મેં ગાડી ઉભી રખાવી ત્યારે મારા પતિએ બેફામ બીભત્સ ગાળો બોલી હતી. તેમજ ગાડી મારી ઉપર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મારા મમ્મીને પગમાં અને શરીર પર ગંભીર ઈજા પહોંચી છે. હું ત્યાંથી ખસી જતાં મને કોઈ ઈજા પહોંચી નથી. મારી મમ્મીને ગાડીના દરવાજાનું પતરૂ વાગતાં જ મારા પતિ ત્યાંથી ગાડી લઈને ફરાર થઈ ગયાં હતાં. અમે બોપલ પોલીસમાં ફરિયાદ કરવા ગયાં હતાં. પરંતુ અમને હદની જાણ થતાં સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવ્યાં છીએ. એવું જણાવતાં પોલીસે ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.