Today Gujarati News (Desk)
ગુજરાતમાં છેતરપિંડીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અલગ અલગ પ્રકારની લાલચો આપીને લોકોને ઠગવાના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ઇકોનોમિક વિંગેને લાલચો આપીને કરોડોની છેતરપિંડી કરતી ગેંગના એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી કોને કોને છેતરવામાં આવ્યા તે અંગેની વિગત મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
10થી 15 ટકા જેટલું વળતર આપવાની લાલચ
પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપીએ લોકોને નાણાં રોકાવી એક મહિનામાં 10થી 15 ટકા જેટલું વળતર આપવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવ્યા છે. જેની કુલ રકમ 2 કરોડ 9 લાખથી પણ વધુ થવા પામી છે. તે પૈકી એક ફરિયાદીને વળતર કે રૂપિયા નહીં મળતા આર્થિક ગુના નિવારણ શાખાના દરવાજા ખખડાવ્યા હતા. ત્યારે EOW ક્રાઇમ બ્રાન્ચે દરિયાપુરના હુસામાં સૈયદ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી ધરપકડ કરી છે.
લોકોને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયા મેળવી લેતો
આરોપી પોતાના પરિચિત વ્યક્તિઓને લોભામણી સ્કીમ સમજવતો હતો. જેમાં પોતે ફાઈનાન્સમાં સિઝિંગ થયેલી ગાડીઓને હરાજીમાં સસ્તા ભાવમાં ખરીદે છે. ત્યારબાદ એક મહિનામાં ગાડીઓ વેચી મોટો નફો મળશે તેમ કહીને લોકોને પોતાના વિશ્વાસમાં લઈ લાખો રૂપિયા મેળવી લેતો હતો. ત્યાર બાદ ખરીદનારને ગાડી કે વળતર આપતો નહોતો. આ પ્રકારે આરોપી ગુનાને અંજામ આપતો હોવાની વાત પોલીસને જણાવી છે.
લોકોને વિશ્વાસમાં લેવા બેંકના ચેક આપતો
આરોપી લોકોને વિશ્વાસમાં લેવા એક નોટરાઈઝ લખાણ પણ લખી આપતો હતો. તેમજ બેંકના ચેક પણ આપતો હતો. ત્યારે અમદાવાદની ગુનાહ નિવારણ શાખાએ આરોપી વિરુદ્ધમાં વધુ પુરાવાઓ એકત્ર કરી આ સમગ્ર છેતરપિંડીના ગુનામાં હજી કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ હાથ ધરી છે. ઉપરાંત કેટલા લોકો ભોગ બન્યા છે અને કેટલા રૂપિયાની ટોટલ છેતરપિંડી કરવામાં આવી છે, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.