Today Gujarati News (Desk)
ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચોથી ટેસ્ટના પ્રથમ દિવસની રમત પૂર્ણ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસે 4 વિકેટ ગુમાવીને 255 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી ખ્વાજાએ શાનદાર રમત રમતા સદી ફટકારી છે.ઉસ્માન ખ્વાજાએ પોતાની સદી પૂરી કરી લીધી છે. ખ્વાજાએ 246 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 15 ચોગ્ગા ફટકાર્યા હતા. ખ્વાજાની ટેસ્ટ કારકિર્દીની 14મી અને ભારત સામે પ્રથમ સદી છે.
ઓસ્ટ્રેલિયાનો સ્કોર 250 રનને પાર કરી ગયો હતો
ઓસ્ટ્રેલિયાનો સ્કોર ચાર વિકેટના નુકસાને 250 રનને પાર કરી ગયો છે. ઉસ્માન ખ્વાજા અને કેમરન ગ્રીન શાનદાર બેટિંગ કરી રહ્યા છે. ગ્રીન તેની અડધી સદી અને ખ્વાજા તેની સદીની નજીક છે.
ઓસ્ટ્રેલિયન ટીમને ચોથો ઝટકો
ઓસ્ટ્રેલિયાને 170 રન પર ચોથો ઝટકો આપીને ટીમ ઈન્ડિયાએ વાપસી કરી છે. મોહમ્મદ શમીએ પીટર હેન્ડ્સકોમ્બને 17 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. શમીની મેચમાં આ બીજી વિકેટ છે.
ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ પડી
ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ 151 રનના સ્કોર પર પડી હતી. રવિન્દ્ર જાડેજાએ સ્ટીવ સ્મિથને 38 રનના સ્કોર પર ક્લીન બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.
ટી-બ્રેક સુધી ઓસ્ટ્રેલિયા 149/2
અમદાવાદ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ટી-બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 2 વિકેટ ગુમાવીને 149 રન બનાવી લીધા છે. ઉસ્માન ખ્વાજા 65 અને સ્ટીવ સ્મિથ 38 રન બનાવીને અણનમ છે. ભારતીય બોલરો હજુ પણ વિકેટ માટે પુરી તાકાત લગાવી રહ્યા છે.