Today Gujarati News (Desk)
સેટેલાઇટ પ્રેરણાતીર્થ રોડ પર આવેલા રત્નાકર એવન્યુમાં રહેતા બિલ્ડરે ધંધાકીય કામ માટે આઠ જેટલા લોકો પાસેથી કરોડો રૃપિયા વ્યાજે લીધા હતા. જેમાં નાણાં આપનાર વ્યક્તિઓએ દાદાગીરી કરીને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી બિલ્ડર ઘર છોડીને હોટલમા રહેવા માટે ચાલ્યો ગયો હતો. તેમ છંતાય, સતત ધાકધમકી મળતા બિલ્ડરે ઉંઘની દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે આનંદનગર પોલીસે આઠ લોકો વિરૃદ્વ મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે. વ્યાજખોરો વિરૃદ્વ શરૃ થયેલી ડ્રાઇવ બાદનો ગુજરાતનો સૌથી મોટો કેસ ગણવામાં આવી રહ્યો છે.
સેટેલાઇટ પ્રેરણાતીર્થ રોડ પર આવેલા રત્નાકર એવન્યુમાં રહેતા રાકેશ શાહ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના નામે વ્યવસાય કરે છે અને સેટેલાઇટ રાહુલ ટાવરમાં આવેલા અરીસ્તા બિઝનેસ હબમાં ઓફિસ ધરાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે તેમના જુના મિત્ર સંગમ પટેલ પાસેથી એપ્રિલ 2020થી અત્યાર સુધી ધંધાકીય કામ માટે રૃપિયા 13.65 કરોડ જેટલી રકમ લીધી હતી. જેની સામે માસિક દોઢ ટકા વ્યાજ નક્કી કરાયું હતું. જો કે થોડા સમય બાદ સંગમ પટેલે માસિક 10 ટકા વ્યાજ માંગ્યું હતુ અને જો તે નહી આપે તો એક ટકા પેનેલ્ટી લેવાની વાત કરી હતી. જેથી રાકેશ શાહે અન્ય વ્યક્તિ પાસેથી સાત કરોડ જેટલી રકમ ચુકવી આપી હતી. જ્યારે બાકીના 6.62 કરોડ રૃપિયા બાદમાં ચુકવી આપવા માટે કહ્યું હતું પરંતુ, સંગમ પટેલે 24 કરોડ રૃપિયાની માંગણી કરી હતી. સાથેસાથે ધમકી આપી હતી કે જો તુ નાણાં નહી આપે તો તારી તમામ મિલકતો લખાવી દઇશું.
રાકેશ શાહે અર્પિત શાહ પાસેથી એપ્રિલ 2020ના રોજ 18 લાખ રૃપિયા લીધા હતા. જેમાં અર્પિત શાહે 10 ટકા વ્યાજની માંગણી કરી હતી અને કુલ રોકાણની સામે 79 લાખ રૃપિયા ચુકવી આપ્યા હતા. તેમ છંતાય, ખોટા હિસાબ દર્શાવીને રૃપિયા 12 કરોડની ઉઘરાણી માંગી હતી અને જો નાણાં નહી આપે તો હાથપગ તોડવાની ધમકી આપી હતી.
ત્યારબાદ ધંધાના કામે નાણાંની વધુ જરૃરિયાત ઉભી થતા રાકેશ શાહે અસ્પાલભાઇ શાહ અને દીગપાલભાઇ શાહ પાસેથી 7.96 કરોડ જેટલી રકમ લીધી હતી. જેમાં માસિક દોઢ ટકા વ્યાજ નક્કી કર્યું હતું. પરંતુ, થોડા સમય બાદ માસિક 10 ટકા વ્યાજ ગણીને ઉઘરાણી શરૃ કરી હતી. જેથી રાકેશ શાહે બીજી વ્યક્તિઓ પાસેથી ઉધાર નાણાં લઇને રૃ.2.57 કરોડ ચુકવી આપ્યા હતા. તેમ છંતાય, કુલ 25 કરોડની રકમ બાકી છે તેમ કહીને માંગણી શરૃ કરી હતી. જે નાણાંની ઉઘરાણીમાં બંને જણાએ ઘરે આવી સોસાયટીમાં પણ હોબાળો કર્યો હતો.
જે બાદ જુન 2021થી રાકેશભાઇએ અશોક ઠક્કર સાથે સંકળાયેલા અનેક લોકો પાસેથી ચાર કરોડ રૃપિયા લીધા હતા. જેમાં મોટાભાગના નાણાંની ચૂકવણી થઇ હોવા છંતાય, 50 કરોડની ઉઘરાણી શરૃ કરી હતી અને ધમકી આપી હતી કે નાણાં નહી આપે તો ટ્રકની અડફેટે અકસ્માત કરીને હત્યા કરીને અકસ્માત મોતમાં ખપાવી દઇશું.
આ ઉપરાંત રાકેશ શાહે ચેતન શાહ પાસેથી આઠ કરોડ જેટલી રકમ લીધી હતી. જેની સામે 30 કરોડની માંગણી કરવામાં આવી હતી. તેમજ પકંજભાઇ પારેખ પાસેથી તેમણે ડીસેમ્બર 2021 બાદ કુલ 4.74 કરોડ રૃપિયા ઉછીના લીધા હતા. જેની સામે 42 કરોડની ઉધરાણી બાકી હોવાનું કહીને ધમકી આપી હતી. તેમજ લક્ષ્મણ વેકરિયા પાસેથી 75 લાખ લીધા હતા. જેની સામે એક કરોડની ચુકવણી થઇ હોવા છંતાય, પાંચ કરોડની રકમ બાકી હોવાનું કહીને નાણાંની માંગણી કરી હતી.