Today Gujarati News (Desk)
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક સગીરા પર બળાત્કાર ગુજારાયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આરોપી અને ભોગ બનનારનો સંપર્ક પબજી ગેમ રમતા થયો હોવાનું સામે આવ્યું છે. હાલ સગીરા દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સગીરાને તેના ઘરેથી હોટલમાં લઈ ગયો હતો
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક સગીરા તેના પરિવારજનો સાથે રહે છે. આ સગીરાનો સંપર્ક થોડા સમય પહેલા એક યુવક સાથે થયો હતો. જે યુવક અને સગીરા વચ્ચે પબજી ગેમ રમતા રમતા સંપર્ક થયો હતો. બાદમાં બન્ને એકબીજા સાથે વાતચીત કરતા હતા. તે દરમિયાન આ યુવક અમદાવાદ આવ્યો હતો. યુવક મૂળ જૂનાગઢનો હોવાનું સામે આવ્યું છે. અહીં આવ્યા બાદ સગીરાને તેના ઘરેથી હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે મીઠી મીઠી વાતો કરી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
આરોપીએ સગીરાને બ્લેકમેલ કરી હતી
બાદમાં આરોપીએ આ સગીરાના વીડિયો પણ ઉતારી લીધા હતા. જે વીડિયોના આધારે સગીરાને આરોપીએ બ્લેકમેલ કરી હતી અને બાદમાં તેની પાસેથી ટુકડે ટુકડે 62 હજાર રૂપિયા પડાવ્યા હતા. સગીરા આ યુવકની હવસનો ભોગ બનતા અને છેતરાઈ જતા તેણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ખોખરા પોલીસે આ મામલે આરોપી સામે બળાત્કાર અને પોકસો એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ભોગ બનનાર સગીરાનું મેડિકલ કરાવવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. બીજી તરફ, પોલીસના હાથવેંતમાં આરોપી હોવાથી તેની ધરપકડ બાબતે કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપી અને સગીરા કેટલા સમયથી સંપર્કમાં હતા, આરોપી સગીરાને ક્યાં લઈ ગયો હતો, કેટલી વાર બળાત્કાર ગુજાર્યો અને અન્ય કોઈ સગીરા કે યુવતી સાથે આ પ્રકારે કોઈ હરકત કરી છે કે કેમ, એ બાબતને લઈને પણ પોલીસ તપાસમાં લાગી છે.