Today Gujarati News (Desk)
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમા ભારે પલટો જોવા મળી રહ્યો છે. ક્યાક વરસાદ તો ક્યાક ભારે પવન સાથે વાવાઝોડાની અસર જોવા મળી છે. કેટલીક જગ્યા પર કમોસમી વરસાદથી પાકને નુકશાનની ભીતિ દેખાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમા કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો તો ક્યાક ભારે પવન ફુંકાઈ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં આજે હવામાન ખોરવાયું છે તો અહીં દક્ષિણ ગુજરાતમાં પણ આજે ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો.
ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી
ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમા માવઠાની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે આજે સવારથી હવામાનમાં પલટો જોવા મળ્યો છે. જેમા આજે અમદાવાદ સહિત રાજ્યમાં ઠેર – ઠેર કમોસમી વરસાદ પડ્યો હતો. આજે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભારે પવન તથા કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હાલ અમદાવાદના સરખેજ હાઈવે પર કરા સાથે વરસાદ પડ્યો હતો.
ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી
અરવલ્લીમાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ગઈકાલે સવારે વાતાવરણમાં ઠંડક જોવા મળ્યા બાદ બપોર થતા વાદળછાયુ વાતાવરણ થયુ હતું અને સાંજના સમયે ધોધમાર વરસાદ શરુ થયો હતો. જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા. અરવલ્લી જિલ્લામાં આભમાંથી આફત સ્વરુપે કમોસમી વરસાદ વરસતા ઘઉં, ચણા, વરીયાળી સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે. જિલ્લામાં મેઘરજ, ભિલોડા સહિત અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ખેડૂતોએ પાકમાં થયેલા નુકસાન સામે સરકાર પાસે વળતર આપવાની માંગ કરી છે.