Today Gujarati News (Desk)
ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે બે દિવસના અરુણાચલ પ્રદેશના પ્રવાસે જશે અને ત્યા સરહદી ગામની મુલાકાત લેશે. અમિત શાહ ચીન બોર્ડર પર વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ શરુ કરશે અને ચીનને તેની જ ભાષામાં જવાબ આપશે.
અમિત શાહ અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના સરહદી ગામ કિબિતુ ખાતે ‘વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’નું ઉદ્ઘાટન કરશે. આ અંતર્ગત સરહદી ગામોનો વિકાસ તો થશે જ પરંતુ પ્રવાસનને ધ્યાનમાં રાખીને તે ગામોને મુખ્ય માર્ગ સાથે જોડીને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવામાં આવશે. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ એ એક કેન્દ્રિય પ્રાયોજિત યોજના છે જે અંતર્ગત વ્યાપક વિકાસ માટે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ રાજ્યોની ઉત્તર સરહદે આવેલા 19 જિલ્લાના 46 બ્લોકમાં 2967 ગામોની ઓળખ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં અરુણાચલ પ્રદેશના 455 ગામો સહિત 662 ગામોને પ્રાથમિકતાના આધારે ઓળખવામાં આવ્યા છે.
વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ ઓળખાયેલ સરહદી ગામોના લોકોના જીવનધોરણને સુધારવામાં મદદ કરશે અને તેમને તેમના મૂળ સ્થાનો પર રહેવા પ્રોત્સાહિત કરશે જેથી આ ગામોમાંથી સ્થળાંતર અટકશે અને સરહદની સુરક્ષા વધારવામાં મદદ મળશે. આ ઉપરાંત અમિત શાહ 10 એપ્રિલે કિબિતુ ખાતે ગોલ્ડન જ્યુબિલી બોર્ડર લાઇટિંગ પ્રોગ્રામ હેઠળ અરુણાચલ પ્રદેશ સરકારના નવ માઇક્રો હાઇડેલ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ પાવર પ્રોજેક્ટ્સ સરહદી ગામડાઓમાં રહેતા લોકોના સશક્તિકરણમાં મદદ કરશે.