Today Gujarati News (Desk)
અમેરિકાના ગન કલ્ચરના કારણે સેંકડો લોકો દર વર્ષે મોતને ભેટે છે. આમ છતા સરકાર કશું કરી શકતી નથી. અંધાધૂધ ફાયરિંગના વધુ એક કિસ્સામાં ટેક્સાસમાં એક ભેજાગેપ વ્યક્તિએ પોતાના પાંચ પાડોશીઓની ગોળી મારીને હત્યા કરી નાંખી છે. જેમાં આઠ વર્ષનો એક બાળક પણ સામેલ છે.
ટેક્સાસ રાજ્યના ક્લીવલેન્ડ શહેરમાં શુક્રવારે રાત્રે આ ઘટના બની હતી. સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે ફાયરિંગ કરનાર વ્યક્તિ 38 વર્ષીય ફ્રાંસિસ્કો ઓરોપેજા હાલમાં ફરાર છે. ઓરોપેજા ફાયરિંગ પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને તેને પાડોશી પરિવારે ફાયરિંગ કરવાની ના પાડી હતી. કારણકે ગોળીઓના અવાજથી પાડોશીઓની ઉંઘ બગડી રહી હતી.
જોકે આ શિખામણ ઓરોપેજાને ગળે ઉતરી નહોતી.ઉલટાની તેણે પોતાના રાયફલ વડે આજુબાજુમાં રહેતા પાંચ લોકો પર ગોળીઓ વરસાવી હતી અને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હાલમાં તે ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.