Today Gujarati News (Desk)
શિકાગો સ્થિત સ્ટાર્ટ અપના બે ભારતીય મૂળના અધિકારીઓને અમેરિકામાં એક ફેડરલ જ્યુટીએ ૧ અબજ અમેરિકન ડોલરની કોર્પોરેટ છેતરપિંડી યોજના ચલાવવા માટે દોષિત ઠેરવ્યા છે. આ સ્કીમના માધ્યમથી કંપનીના ગ્રાહકો, લેણદારો અને રોકારણકારોને નિશાન બનાવ્યા હતાં.
૧૦ અઠવાડિયાની ટ્રાયલ પછી જ્યુરીએ મંગળવારે હેલ્થ ટેકનોલોજી કંપની આઉટકમ હેલ્થના સહ સ્થાપક અને પૂર્વ સીઇઓ રીશી શાહને ૨૨માંથી ૧૯ કેસોમાં, સહ સ્થાપક અને પૂર્વ અધ્યક્ષ શ્રદ્ધા અગ્રવાલને ૧૭માંથી ૧૫ કેસોમાં તથા ચીફ ઓપરેટિંગ ઓફિસર બ્રેર્ડ પર્ડીને ૧૫માંથી ૧૩ કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.
૩૭ વર્ષીય શાહને મેઇલ ફ્રોડના પાંચ કેસો, વાયર ફ્રોડના ૧૦ કેસો, બેંક ફ્રોડના બે કેસો અને મની લોન્ડરિંગના બે કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે.
૩૭ વર્ષીય અગ્રવાલને મેઇલ ફ્રોડના પાંચ કેસો, વાયર ફ્રોડના આઠ કેસો અને બેંક ફ્રોડના બે કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે.
૩૩ વર્ષીય પર્ડીને મેઇલ ફ્રોડના પાંચ કેસ, બેંક ફ્રોડના બે કેસ, નાણાકીય સંસ્થા સમક્ષ ખોટું નિવેદન આપવાના એક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે.
બેંક ફ્રોડ માટે આરોપીઓને મહત્તમ ૩૦ વર્ષ અને વાયર ફ્રોડ તથા મેઇલ ફ્રોડ માટે ૨૦ વર્ષની જેલની સજા થઇ શકે છે. મની લોન્ડરિંગના પ્રત્યેક કેસમાં શાહને મહત્તમ દસ વર્ષની સજા થઇ શકે છે.
ન્યાય વિભાગે જારી કરેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીએ અમેરિકામમાં ડોક્ટરોની ઓફિસોમાં ટેલિવિઝન સ્ક્રીન અને ટેબલેટ ઇન્સ્ટોલ કર્યા હતાં અને ત્યારબાદ આ ઉપકરણો પર જાહેરાતની જગ્યા ગ્રાહકોની વેચી દીધી હતી જેમાં મોટા ભાગે ફાર્મા કંપનીઓ હતી.