Today Gujarati News (Desk)
શનિવારે અમેરિકાની ઈન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં બે ગુજરાતી વિદ્યાર્થીઓ મોનરો લેકમાં તરવા જતાં જ ડૂબી ગયાં હતાં. તેમના મિત્રોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ પાણીમાંથી ઉપર આવી શક્યા નહોતા. પાણીમાંથી તેમની બોડીને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતાં. તંત્ર દ્વારા તેમની બોડીને શોધવા સ્કૂબા ડાઈવર્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ તેમની બોડી હાથ લાગી નહોતી.
બંને વિદ્યાર્થીઓ કેલે સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કરતા હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે સિદ્ધાંત શાહ મૂળ અમદાવાદનો છે અને જાણીતા બિલ્ડરનો દીકરો છે જે વિદેશ અભ્યાસર્થે ગયેલ છે, જ્યારે આર્યન વૈધ ઓહાયોમાં રહે છે. તેઓ તેમના મિત્રો સાથે મોનરો લેકમાં બોટીંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમણે બોટ રોકીને એન્કર પાણીમાં નાંખ્યું હતું અને પોતે પણ પાણીમાં તરવા માટે ગયા હતાં ત્યારે બંને જણા ડૂબ્યા હતાં. ઈન્ડિયાના યુનિવર્સિટીએ પણ આ ઘટનાને લઈને સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. યુનિવર્સિટીએ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, આ ઘટનાથી અમે ખૂબજ દુઃખી છીએ.બંને વિદ્યાર્થીઓ કેલે સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કરતા હતાં. યુનિવર્સિટીએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરનાર તમામ એજન્સીઓની પ્રશંસા કરી છે.
વિદ્યાર્થીઓએ લાઈફ વેસ્ટ પણ નહોતુ પહેર્યું
મોનરે કાઉન્ટી શેરીફ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી જેફ બ્રાઉને દાવો કર્યો હતો કે, આ ઘટના બની ત્યારે વિદ્યાર્થીઓ ડબલ ડેકર પાર્ટી રેન્ટલ બોટ પર હતાં. આ બોટમાંથી આલ્કોહોલ પણ મળી આવ્યો છે. તંત્રએ એવો પણ દાવો કર્યો હતો કે, બોટમાં સવાર વિદ્યાર્થીઓએ લાઈફ વેસ્ટ પણ નહોતુ પહેર્યું. રેસ્ક્યૂ યુનિટે સ્કૂબા ડાઈવર્સનો ઉપયોગ કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઈન્ડિયાના સ્ટુડન્ટ સર્વિસ દ્વારા બોટમાં રહેલા અન્ય વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે મદદ કરી હતી અને તેમને તેમના ઘર સુધી પહોંચાડ્યા હતાં. ત્યાર બાદ તેમનું કાઉન્સિલિંગ પણ કર્યું હતું.
પાણીમાં શોધખોળ કરવી મુશ્કેલ થઈ રહી છે
આ બે ડૂબી ગયેલા વિદ્યાર્થીઓના વાલીઓની પુછપરછ કરાઈ રહી છે અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે. સર્ચ કરનાર અધિકારીઓએ કહ્યું હતું કે, બંને વિદ્યાર્થીઓ સ્વીમીંગ કરવા ગયા અને કોઈએ તેમને જોયા પણ નહીં. હાલમાં તંત્રના અધિકારીઓ તમામ પોઈન્ટ પર શોધખોળ કરી રહ્યાં છે. અધિકારીએ એવો દાવો કર્યો હતો કે, લેકની આસપાસ હવામાન પ્રતિકૂળ હોવાથી પવન, ઠંડી અને વરસાદને કારણે પાણીમાં શોધખોળ કરવી મુશ્કેલ થઈ રહી છે.