Today Gujarati News (Desk)
રામ જન્મભૂમિ મંદિરમાં રામલલાના બિરાજવાની લાંબા સમયથી રામ ભક્તો રાહ જોઈ રહ્યા છે. દેશભરના કોરોડો હિંદુઓનું આસ્થાનું કેન્દ્ર એવા અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા મંદિરને લઈને એક મોટા સમાચાર આજે આવ્યા હતા. આગામી વર્ષે રામ લલ્લાની મૂર્તિને સ્થાપિત કરવામાં આવશે. આ માહિતી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજે આપી હતી. આ ઉપરાંત રામ મંદિર અંગે ગુજરાતના આરોગ્ય મંત્રીએ પણ આ અંગે ટ્વિટ કરી હતી.
અયોધ્યામાં ભગવાન રામલલાના ભવ્ય મંદિરનો પ્રથમ માળ આ વર્ષે ઓક્ટોબર સુધી બનીને તૈયાર થઈ જશે અને જાન્યુઆરી 2024માં રામલલા પોતાના દિવ્ય ભવ્ય મંદિરમાં બિરાજમાન થઈ જશે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઝડપ ગતિએથી ચાલી રહ્યું છે. દેશના લોકો કામ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે. હાલ મંદિરનું કામ 70 ટકા જેટલુ પૂર્ણ થયુ છે. પીએમ મોદીના વરદ હસ્તે રામ લલ્લાની મૂર્તીને સ્થાપિત કરવામાં આવશે.
વર્ષ 2024ના ત્રીજા સપ્તાહમાં જ અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા મંદિરમાં રામ લલ્લાની મૂર્તિને તેના મૂળ સ્થાને સ્થાપિત કરવામાં આવશે. અયોધ્યામાં મંદિર અંગે દેશભરના લોકો ઉત્સાહિત છે ત્યારે આજે રાજ્યના આરોગ્ય મંત્રીએ પણ આ અંગે ટ્વિટ કર્યુ હતું. તેમણે તુલસીદાસની પંક્તી જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂરત દેખી તિન તૈસી પોસ્ટ કરી હતી અને નિર્માણધીન થઈ રહેલા રામમંદિરની તસ્વીર પણ શેર કર્યો હતો.