Today Gujarati News (Desk)
અરુણાચલ પ્રદેશમાં સેનાના હેલિકોપ્ટરનો એક મોટો અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર અરુણાચલના મંડલા પહાડી વિસ્તાર પાસે ક્રેશ થયું છે. હાલ પાયલોટને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ગુવાહાટીમાં ડિફેન્સ PRO લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું કે, દુર્ઘટનાગ્રસ્ત થયેલું હેલિકોપ્ટર બોમડિલા નજીક નાની ઉડાન પર હતું. આ હેલિકોપ્ટરનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક સવારે 9.15 વાગ્યાની આસપાસ તૂટી ગયો હતો. બોમડિલાના પશ્ચિમમાં મંડલા પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પાયલોટને શોધવા માટે એક સર્ચ ટીમ મોકલાઈ છે.
છેલ્લા 5 વર્ષમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની 17 જેટલી ઘટનાઓ બની છે. ગત વર્ષે લોકસભામાં રાજ્ય સંરક્ષણ મંત્રી અજય ભટ્ટ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી, જેમાં વર્ષ 2021થી લઇને 2017 સુધીના અકસ્માતોનો ઉલ્લેખકરાયો હતો, જેમાં બે અકસ્માત 2022ના ઉમેરવામાં આવ્યા હતા. વર્ષ 2017માં 4, 2018માં 2, 2019માં 3, 2020માં 1, 2021માં ક્રેશની 5 અને આ 2022માં ક્રેશની 2 ઘટનાઓ મળીને કુલ 17 જેટલી ઘટનાઓ હેલિકોપ્ટર ક્રેશની બની છે. મોટા ભાગની ઘટનાઓ પાછળનું મુખ્ય કારણ હેલિકોપ્ટરમાં ટેક્નીકલ ખામી હોવાનું સામે આવ્યું છે. ભારતીય વાયુસેના પાસે આ સિવાય એમઆઈ 17 પ્રકારના 223 હેલિકોપ્ટર્સ છે. જ્યારે વાયુસેના પાસે 77 ચેક, આર્મી પાસે 4 અને નેવી પાસે 36 ચેતક હેલિકોપ્ટર છે.