Today Gujarati News (Desk)
આજે ગેંગસ્ટર અતિક અહેમદના પુત્ર અસદને ઉત્તરપ્રદેશ એસટીએફે એન્કાઉન્ટમાં ઠાર કર્યો છે. ઉમેશ પાલ હત્યાકાંડ બાદ ફરાર આરોપી અસદને ઠાર કર્યા બાદ ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. અસદના એન્કાઉન્ટરને લઈને તમામ નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો હવે બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પણ અસદનાં એન્કાઉન્ટર અંગે પ્રતિક્રિયા આપી છે. પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને માંગ કરી છે કે, આ એન્કાઉન્ટર અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે.
લોકોને વિકાસ દુબે જેવો કાંડ થયો હોવાની આશંકા : માયાવતીનું ટ્વિટ
અસદ અહેમદના એન્કાઉન્ટર બાદ વિવિધ પક્ષોના નેતાઓ ટ્વિટ કરી રહ્યા છે. તો હવે આ ક્રમમાં BSPના સુપ્રીમો માયાવતીએ પણ ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે લખ્યું છે કે, પ્રયાગરાજના અતીક અહેમદના પુત્ર તેમજ અન્ય એકની અથડામણમાં થયેલી હત્યા અંગે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. લોકોને લાગે છે કે, વિકાસ દુબે જેવો જ કાંડ થયો હોવાની તેમની આશંકા સાચી સાબિત થઈ છે, જેથી સમગ્ર ઘટનાની હકીકત અને સત્ય લોકો સામે આવે તે માટે ઉચ્ચ સ્તરીય તપાસ જરૂરી છે.