Today Gujarati News (Desk)
આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને ઈતિહાસ સર્જી દીધો હતો, તો બીજી બાજુ કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા. કોંગ્રેસની સ્થિતિ એ હદે પહોંચી ગઈ કે વિધાનસભામાં વિપક્ષના પદ માટે જરૂરી એવુ સંખ્યાબળ ગુમાવ્યુ. સામાન્ય રીતે વિપક્ષના પદ માટે કુલ બેઠકના દશ ટકા લેખે જરૂરી 19 બેઠકો પણ કોંગ્રેસે મેળવી નથી. માત્ર 17 ધારાસભ્યોનું સંખ્યાબળ વાળી કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ પણ ચરસમીમાએ હોય તેવુ લાગી રહ્યુ છે. ચૂંટણી પરિણામના આટલા દિવસો પછી પણ કોંગ્રેસ હજુ સુધી વિધાનસભામાં વિપક્ષના નેતાની પસંદગી કરી શકી નથી.
વિપક્ષ નેતાનું નામ આપવા માટે અલ્ટીમેટમ
હવે ગુજરાત વિધાનસભા સચિવાલયે કોંગ્રેસને 19 જાન્યુઆરી પહેલાં વિપક્ષ નેતાનું નામ આપવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. મહત્વનું છે કે, વિધાનસભા સચિવાલયે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને 19 જાન્યુઆરી સુધીમાં વિપક્ષના નેતાનું નામ આપવા જણાવ્યું છે. આટલા ઓછા ધારાસભ્યો ચૂંટાયા પછી પણ કોંગ્રેસે હજુ સુધી વિપક્ષના નેતાનું નામ નક્કી કરી શકી નથી. આની પાછળ આંતરિક ખેંચતાણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બધાની વચ્ચે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે કોંગ્રેસ વિધાનસભામાં વિપક્ષનું પદ પણ ગુમાવી શકે છે.