Today Gujarati News (Desk)
ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે, તો પહાડી વિસ્તારોમાં હિમવર્ષા જોવા મળી રહી છે. જોકે હવામાન વિભાગનું માનીએ તો આવતીકાલે એટલે કે 31 જાન્યુઆરીએ વરસાદની ગતિવિધિમાં ઘટાડો થશે. હવામાન વિભાગનું માનીએ તો 31 જાન્યુઆરીથી ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં વરસાદની ગતિવિધિ ઘટી જશે.
પવનની ગતિ કરશે હેરાન
હવામાન વિભાગનું માનીએ તો વરસાદની ગતિવિધિમાં ઘટાડો જોવા મળશે, જોકે ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક રાજ્યોમાં પવનની ગતિ 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ઝડપી પવનનો સિલસિલો 1 ફેબ્રુઆરી સુધી યથાવત્ રહેશે.
દિલ્હી માટે રાહતના સમાચાર
હવામાન વિભાગની સત્તાવા વેબસાઈટ મુજબ, આવતીકાલે 31 જાન્યુઆરીએ દિલ્હીમાં આકાશ સ્વચ્છ રહેવાની સંભાવના છે. તાપમાનની વાત કરીએ તો દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 22 ડિગ્રી નોંધાઈ શકે છે. દિલ્હીમાં આવતીકાલથી સપ્તાહ સુધી આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે.
જમ્મુ-કાશ્મીરમાં હિમપ્રપાતનો ખતરો
જમ્મુ અને કાશ્મીરમાં સ્ટેટ ડિઝાસ્ટર ઓથોરિટીના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં ડોડા, કિશ્તવાડ અને પુંછ જિલ્લામાં દરિયાની સપાટીથી 2500 મીટર ઊંચા ખતરારૂપ સ્તર સાથે હિમપ્રપાત થવાની સંભાવના છે. તો બાંધીપોર, ગાંદરબલ, કુપવાડા, કુલગામ અને રામબન જિલ્લામાં 1500થી 2500 મીટર ઊંચા મધ્યમ જોખમી સ્તરે હિમપ્રપાત થવાની સંભાવના છે.
પહાડોમાં પર જોરદાર હિમવર્ષા
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની ગતિવિધિ જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાથી સામાન્ય જન જીવન અસ્ત-વ્યસ્ત જોવા મળી રહ્યું છે. આજે એટલે કે 30 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશના ઊંચાણવાળા વિસ્તારોમાં મધ્યમથી ભારે હિમવર્ષા જોવા મળી રહી છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે. ખરાબ હવામાનના કારણે ઓછામાં ઓછા 484 રસ્તાઓ બંધ કરાયા. હવામાન વિભાગનું માનીએ તો શુક્રવાર હિમાચલ પ્રદેશના નિચાણવાળા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મલી શકે છે. ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારમાં પણ હિમવર્ષા થઈ, જોકે મંગળવાર એટલે કે 31 જાન્યુઆરીથી હવામાન સ્વચ્છ થવાની સંભાવા છે. ગઢવાલના બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં બરફની લાંબી ચાદરો જોવા મળી, જ્યારે જોશીમઠ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળ્યો હતો.
આ રાજ્યોમાં વરસાદની સંભાવના
હવામાન વિભાગનું માનીએ તો તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમાં આવતીકાલે 31 જાન્યુઆરી ગાજવીત સાથે ભારે વરસાદ જોવા મળશે, જ્યારે 1 ફેબ્રુઆરીએ તમિલનાડુના સુદૂર વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ પડવાની ધારણા છે.
ગુજરાતમાં પાંચ દિવસ માવઠાની શક્યતા નહીંવત પણ ઠંડા પવનો ફૂંકાશે
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવાથી ઠંડી અને પવનથી થોડી રાહત થઈ છે, તો આ માવઠાને કારણે ખેડૂતોના ઉભા પાકને પણ નુકસાન થયું છે. ત્યારે રાજ્યમાં આગામી 5 દિવસ માવઠાથી રાહત મળવાની તેમજ વાતાવરણ સુકૂં રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહન્તીનાં જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ માવઠાની શક્યતા નહિવત છે તેમજ વાતાવરણ પણ સુકું રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગનું માનીએ તો 31 ફેબ્રુઆરી અને પહેલી જાન્યુઆરીએ ઠંડા પવનો ફુંકાવાને કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે. આ બે દિવસ 15થી 20 કિમીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. તો રાજ્યના તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.