Today Gujarati News (Desk)
તૂર્કીયે અને સીરિયામાં ગત અઠવાડિયે આવેલા ભૂકંપમાં અત્યાર સુધી 41 હજારથી વધુ લોકો મૃત્યુ પામી ગયા છે. રાહત અને બચાવ કામગીરી લગભગ સમાપ્ત થવાની અણીએ છે પણ સીરિયા બોર્ડર નજીકના તૂર્કીયેના વિસ્તાર હાતેમાં એક મોટો ચમત્કાર જોવા મળ્યો. અહીં કાટમાળ નીચેથી એક યુવક 12 દિવસ બાદ જીવતો મળ્યો હતો. તેની વય 45 વર્ષ હતી. જ્યારે એક અન્ય વ્યક્તિ 11 દિવસ બાદ જીવીત નીકળ્યો હતો.
12 દિવસ બાદ જીવીત વ્યક્તિનો વીડિયો સામે આવ્યો
જ્યારે 12 દિવસ બાદ જીવીત બચાવેલા એક વ્યક્તિના રેસ્ક્યૂનો વીડિયો સામે આવ્યો હતો જેમાં દેખાય છે કે રાહત અને બચાવકર્મી તેને કાટમાળમાંથી કાઢીને સ્ટ્રેચર પર લઈ જઇ રહ્યા છે. આ વ્યક્તિને સ્ટ્રેચર વડે બાંધી રાખેલો હતો. તેની ઓળખ હાકન યાસિનોગ્લુ તરીકે થઇ હતી. તેની હવે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
એક વ્યક્તિ 11 દિવસે જીવતો બચ્યો જેણે સૌથી પહેલા પરિવારના ખબર-અંતર પૂછતાં બધા જ ભાવુક
11 દિવસ પછી જીવીત બચી ગયેલા યુવકે સૌથી પહેલાં તેની માતા અને અન્ય પરિજનોના ખબર-અંતર પૂછ્યા હતા. તૂર્કીયેમાં ભારે ઠંડી વચ્ચે પણ આ રીતે લોકોના જીવીત બચી જવાને લોકો ચમત્કાર જ માની રહ્યા છે. સીરિયાની દક્ષિણ સરહદે હાતે પ્રાંતમાં જ મુસ્તફા અવકી નામની વ્યક્તિને કાટમાળ નીચેથી 11 દિવસ બાદ સુરક્ષિત બચાવાઈ હતી. મુસ્તફાને જ્યારે કાટમાળ નીચેથી જીવતો બચાવાયો તો તેણે સૌથી પહેલા પૂછ્યું કે મારી માતા કેવી છે? તેના પછી મુસ્તફાની તેના પરિજનો સાથે વાત કરાવાઈ હતી. જેના પછી મુસ્તફા ભાવુક થઈ ગયો હતો. આ ઘટના જોઈને રાહત અને બચાવ કામગીરી કરી રહેલા લોકો પણ ભાવુક થઈ ગયા હતા.