ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેની વચ્ચે આમ આદમી પાર્ટી ચૂંટણીની જાહેરાત પહેલાં જ ઉમેદવારો જાહેર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોનું ચોથું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 12 જેટલા ઉમેદવારોની આજે જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમદાવાદની અમરાઈવાડી, વટવા, મધ્ય ગુજરાતમાં સાણંદ, પંચમહાલ, દાહોદ, જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં સુરતની લિંબાયત તેમજ નવસારીની ગણદેવી બેઠક, ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર સાઉથ, હિંમતનગર તેમજ સૌરાષ્ટ્રમાં કેશોદ બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ કુલ 41 ઉમેદવાર જાહેર કર્યા છે.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ 29 ઉમેદવાર જાહેર કર્યા હતા. આજે વધુ 12 ઉમેદવારોની જાહેરાત કરીએ છીએ. ચૂંટણી પહેલાં જ અમે ઉમેદવાર જાહેર કરીએ છીએ જે ઇતિહાસમાં પહેલીવાર છે. ગુજરાતમાં ક્રાંતિ આવી રહી છે. લોકોનો ખૂબ જ સાથ મળી રહ્યો છે. ભાજપના લોકો ડરી ગયા છે. કોંગ્રેસ પાર્ટીમાં દમ નથી તેનું પતન થઈ ચૂક્યું છે. કોંગ્રેસના લોકો હવે ભાજપમાં જઈ રહ્યા છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ ચૂંટણી પહેલાં ભાજપમાં જઈ રહ્યા છે અને બીજા ચૂંટણી પછી જશે.