Today Gujarati News (Desk)
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બરાબર નથી. IMF પણ લોન આપવા માટે તૈયાર નથી. તેમ છતા શહબાઝ શરીફ સરકારના મંત્રીઓના ઠાઠ ઓછા નથી થઈ રહ્યા. સરકારી આદેશો હોવા છતાં તેઓ લક્ઝરી ગાડીઓ પરત નથી આપી રહ્યા. તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન શહબાઝ શરીફે દેશની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા માટે અનેક ઉપાયો કર્યા છે. આ શ્રેણીમાં મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને મળેલી અડધીથી વધુ લક્ઝુરિયસ ગાડીઓ પરત કરવાનું કહેવામાં આવ્યું હતું. જો કે, હજુ સુધી તેમણે ગાડીઓ પરત આપી નથી.
પાકિસ્તાનની નબળી આર્થિક સ્થિતિમાં પણ અનેક વરિષ્ઠ અધિકારીઓ લક્ઝરી એસયુવી કારની સવારી કરી રહ્યા છે. ફેબ્રુઆરીમાં સરકાર દ્વારા જારી કરાયેલા આદેશો છતાં તેમણે આ ગાડીઓ પરત આપી નથી.
પાકિસ્તાનની મીડિયાએ પોતાના એક અહેવાલમાં જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારની અધ્યક્ષતામાં એક મીટિંગ બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીઓ દ્વારા માત્ર 14 એસયુવી પરત આપવામાં આવી છે. 14 લક્ઝરી ગાડીઓ હજુ પણ તેમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહી છે.’બેઠક બાદ કેબિનેટ ડિવીઝનને 3 દિવસની અંદર લક્ઝરી ગાડીઓ પરત લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા સુરક્ષા વાહનોનો ઉપયોગ પાછો ખેંચવા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.
પાકિસ્તાનમાં તમામ મંત્રીઓ અને સરકારી કાર્યાલયોને પોતાના ખર્ચમાં 15 ટકા ઘટાડો કરવાનું કહેવામાં આવ્યું હતું. આ સિવાય વેતન, ભથ્થાં, લક્ઝરી કાર, વિદેશ યાત્રાઓ અને બિઝનેસ ક્લાસ મુસાફરી છોડી દેવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો.