Today Gujarati News (Desk)
બે દેશો વચ્ચેના જંગ ખતમ થઈ ગયા બાદ પણ વર્ષો સુધી તેની અસરો સામાન્ય નાગરિકો પર થતી હોય છે.
ઈરાન અને ઈરાક વચ્ચે 1980 થી 1988 સુધી આઠ વર્ષ યુધ્ધ ચાલ્યુ હતુ. જેના પરિણામ હજી પણ લોકો ભોગવી રહયા છે. આઠ વર્ષના યુધ્ધ દરમિયાન બીછાવવામાં આવેલા કરોડો સુરંગો પૈકી બે કરોડ સુરંગો હજી પણ જમીનમાં યથાવત છે અને તેના કારણે ઈરાનના 40 લાખ લોકોની જિંદગી પર ખતરો છે તેવુ ઈરાનના માઈન એક્શન સેન્ટરના અધ્યક્ષ મહોમંદ હુસેન અમીર અહેમદીનુ કહેવું છે.
ચીનની ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે આ સુરંગો યુધ્ધ દરમિયાન ઈરાન ઈરાક સરહદ પર 42000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં લગાવવામાં આવી હતી. આ પૈકી 30 લાખ સુરંગોનો પતો મળ્યો છે અને તેને સુરક્ષિત રીતે હટાવી લેવાઈ છે પણ હજી બે કરોડ સુરંગો જમીનમાં દટાયેલી છે. અત્યાર સુધી વિસ્ફોટકો 8000 થી વધારે લોકોના જીવ લઈ ચુકયા છે.
માત્ર ઈરાન જ નહીં પણ દુનિયાના બીજા દેશો પણ સુરંગોથી પરેશાન છે. દુનિયાના 60 થી વધારે દેશોમાં 110 મિલિયન એટલે કે 11 કરોડથી વધારે સુરંગો બીછાવાયેલી છે. જે યુધ્ધ ખતમ થયા બાદ પણ હટાવાઈ નથી. જેના કારણે દર વર્ષે 4200 લોકોના મોત થાય છે અને તેમાંથી 42 ટકા બાળકો હોય છે.