Today Gujarati News (Desk)
યુનિસેફે એક રિપોર્ટમાં કહ્યું છે, કે દક્ષિણ એશિયામાં વિશ્વમાં સૌથી વધુ બાળવધુઓ છે. કોવિડ-19ને કારણે વધતા નાણાકીય દબાણ અને શાળાઓ બંધ થવાને કારણે પરિવારોને તેમની સગીર દીકરીઓના લગ્ન કરવાની ફરજ પડી રહી હતી.
યુનિસેફના જણાવ્યા અનુસાર, દક્ષિણ એશિયામાં 290 મિલિયન બાળવધુ છે અને આ સંખ્યા વૈશ્વિક સંખ્યાના 45 ટકા જેટલી છે. તેનો અહેવાલ રજૂ કરતી વખતે યુનિસેફે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, આ પ્રથાને ખતમ કરવાના પ્રયાસો માટે આ આંકડા અપૂરતા સાબિત થાય છે.
રોઇટર્સના અહેવાલ અનુસાર, યુનિસેફના પ્રાદેશિક નિર્દેશક નોઆલા સ્કિનરે કહ્યું કે, વિશ્વમાં બાળ લગ્નનો સૌથી વધુ બોજ દક્ષિણ એશિયામાં છે. સંસ્થાએ બાળ લગ્નને ખતમ કરવા માટે વધુ પ્રયત્નો કરવાની માંગ કરી છે.
નોઆલા સ્કિનરે વધુમાં જણાવ્યું હતું કે, બાળ લગ્ન છોકરીઓને શિક્ષણથી દૂર રાખે છે. આ સાથે આ પ્રથા છોકરીઓના સ્વાસ્થ્ય અને સુખને પણ જોખમમાં મૂકે છે. આ પ્રથા છોકરીઓને તેમના ભવિષ્ય સાથે સમાધાન કરવા મજબૂર કરે છે.
સંસ્થા દ્વારા કરવામાં આવેલા અભ્યાસ માટે બાંગ્લાદેશ, ભારત અને નેપાળમાં 16 સ્થળોએ લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. જેમા જાણવા મળ્યું કે કોવિડમાં લોકડાઉન દરમિયાન છોકરીઓ માટે શિક્ષણના વિકલ્પો મર્યાદિત હતા, તેથી ઘણા માતા-પિતાએ તેમની પુત્રીઓ માટે લગ્નને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે પસંદ કરીને તેમના નાની ઉંમરમાં જ લગ્ન કરી દીધા છે.
અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, રોગચાળા દરમિયાન પરિવારો પર આર્થિક દબાણ એટલું વધી ગયું હતું કે ઘરનો ખર્ચ ઘટાડવા માટે દીકરીઓને નાની ઉંમરે પરણાવી દેવાનું વધુ સારું હતું.
મહિલાઓ માટે લગ્નની કાયદેસર ઉંમર નેપાળમાં 20, ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં 18 અને અફઘાનિસ્તાનમાં 16 છે. પાકિસ્તાનમાં પણ તે 16 છે, સિંધ રાજ્ય સિવાય જ્યાં લઘુત્તમ વય 18 છે.
યુવતીઓના વહેલા લગ્નનું કારણ ગરીબી બની
સંસ્થાએ વાતચીત દરમિયાન સંભવિત ઉકેલ અંગે લોકોનો અભિપ્રાય પણ માંગ્યો હતો. તેમના મતે, લોકોએ ગરીબી સામે લડવા, દરેક બાળકના શિક્ષણના અધિકારનું રક્ષણ કરવા, કાયદાનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે એક માળખું બનાવવા માટે સામાજિક સુરક્ષાના પગલાં લેવાની માંગ કરી હતી.