Today Gujarati News (Desk)
આજે રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર ફૂટવાના કારણે રદ્દ કરવામાં આવી હતી. આ પરીક્ષા રદ્દ થતા હજારો ઉમેદવારો રઝળી પડયા હતા. રાજ્યમાં પરીક્ષાનુ પેપર ફૂટવાના સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા હતા અને ઉમેદવારોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પરીક્ષા રદ્દ થતા ઉમેદવારો દ્રારા ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવ્યા હતા. હવે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસે ફરી એકવાર પરીક્ષાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસે દ્વારા સરકાર પર તિખા પ્રહાર કર્યા હતા. આજે પેપર ફૂટવા અંગે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને વિપક્ષ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી.
પરીક્ષા રદ્દ મુદ્દે કોંગ્રેસના કિરીટ પટેલે આપી પ્રતિક્રિયા
આજે રાજ્યભરમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. ગુજરાતમાં વધુ એક વખત પરીક્ષા રદ્દ થતા કોંગ્રસ દ્વારા સરકારની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવ્યા હતા. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ સરકાર પર સવાલો કર્યા હતા. કિરીટ પટેલે કહ્યુ હતું કે સરકારે જાણે પેપર ફોડવાનો સિલસિલો ચાલુ રાખ્યો હોય તેમ આજે ફરી એક વખત પેપર ફૂટયુ છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે આ પેપર નથી ફૂટતા ગુજરાતના લાખો યુવાનોના નસીબ ફૂટે છે. અગાઉ કોઈપણ પરીક્ષાના પેપર ફોડનાર પર સખત કાર્યવાહી કરી હોત તો કદાજ આજે આ લાખો વિદ્યાર્થીઓને રોવાનો વારો આવ્યો ન હોત. આ ઉપરાંત કિરીટ પટેલે કહ્યુ હતું કે આ એક પ્રકારે સુ-આયોજિત કોંભાડ છે. રાજ્ય સરકારે આ બાબતે કડક કાર્યવાહી કરીને જે આરોપી છે તેની સામે કડક પગલા લેવા જોઈએ. સરકારથી જો તમારાથી વારંવાર પેપરો ફૂટતા હોય તો જવાબદારી અમને આપો અમે પરીક્ષા લીધેલી છે તેમ કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યુ હતું.
વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ કર્યા પ્રહાર
રાજ્યમાં આજે પેપર ફૂડવાની સાથે જ કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આવવાની શરુઆત થઈ ગઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય બાદ વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ સરકાર પર તિખા પ્રહાર કર્યા હતા. આ મુદ્દે તેણે પણ સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. અમિત ચાવડાએ જણાવ્યુ હતું કે આ પેપર નહીં પણ ભાજપની સરકારે ગુજરાતના યુવાનનું ભવિષ્ય ફોડવાનુ ફરી એકવાર પાપ કર્યુ છે. છેલ્લા પાછલા વર્ષોમાં પેપર ફૂટવાની પરંપરા રહી છે અને એક બે નહી પરંતુ 20થી વધુ વખત પેપર ફોડ્યા છે. ગુજરાતની ચુંટણી દરમિયાન અપીલ કરી હતી કે આ પેપર ફોડ સરકારને ઘરભેગી કરો અને પેપર ફોડવા વાળાને જેલભેગા કરો પણ ગુજરાતના યુવાનો નરેન્દ્ર મોદી અને અમિત શાહની વાતોમાં આવી ગયા અને ફરી ગુજરાતમાં બહુમતી મળી હતી. આ સરકારને 156 સીટનું અભિમાન આવી ગયુ છે. ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા અમિત ચાવડાએ કહ્યુ હતું કે ભાજપ સરકારમાં બેઠેલા લોકો દ્વારા આ પેપર ફોડીને પોતાના મળતીયાઓને નોકરીમાં ઘુસાડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર છે. જેની પાસે પૈસા હોય અને લાગવગ હોય તેને જ ગુજરાતમાં નોકરી મળે છે.