Today Gujarati News (Desk)
ઈન્ડોનેશિયાની ભૂસ્તરશાસ્ત્રીય એજન્સી યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા અનુસાર, બુધવારે ઈન્ડોનેશિયામાં જાવાના ઉત્તર કિનારે ભયંકર ભૂકંપ આવ્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.0 માપવામાં આવી છે. USGSના જણાવ્યા મુજબ ભારતીય સમય અનુસાર બપોરે 3.45 વાગ્યે ઈન્ડોનેશિયાના તુબાનથી 96 કિમી ઉત્તરમાં ભૂકંપ આવ્યો છે. જોકે અધિકારીઓ દ્વારા હજુ સુધી સુનામીની કોઈપણ ચેતવણી અપાઈ નથી.
ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 594 કિ.મી., સુનામી આવવાની સંભાવના નહીં
ઈન્ડોનેશિયાની ભૂસ્તરશાસ્ત્રીય એજન્સીએ આ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 594 કિલોમીટર અંદર હોવાનું જણાવી સુનામીની આવવાની શક્યતાઓને નકારી કાઢી છે. ઈન્ડોનેશિયાની ડિઝાસ્ટર એજન્સીના પ્રવક્તાને ટાંકીને રોયટર્સે જણાવ્યું કે, સુરબાયા, તુબન, દેનપસાર અને સેમારંગમાં ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો છે. ભૂકંપ જમીનની અંદર ખૂબ જ ઊંડાઈમાં આવ્યો હોવાથી હજુ સુધી કોઈ નુકસાનની જાણ થઈ નથી. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC)એ 592 કિમી (368 માઇલ)ની ઊંડાઈમાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું દર્શાવ્યું છે.
ઈન્ડોનેશિયામાં ફેબ્રુઆરીમાં પણ આવ્યો હતો ભૂકંપ
દેશમાં દર વર્ષે સેંકડો ભૂકંપ આવે છે. ફેબ્રુઆરીમાં ઈન્ડોનેશિયાના પાપુઆ પ્રાંતની રાજધાનીમાં 5.1ની તીવ્રતાના ભૂકંપ બાદ ઓછામાં ઓછા 4 લોકો માર્યા ગયા હતા. જકાર્તા પોસ્ટે જણાવ્યું કે, ફેબ્રુઆરીના અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે ભકંપ દરમિયાન આ વિસ્તારમાં એક કાફે નદીમાં પડી જતા 4 લોકોના મોત થયા હતા. ગયા વર્ષે પશ્ચિમ જાવામાં આવેલા 5.6 તીવ્રતાના ભૂકંપમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા હતા.
ઈન્ડોનેશિયામાં જાન્યુઆરીમાં આવ્યો હતો 6.1નો ભૂકંપ
આ વર્ષે જાન્યુઆરીમાં 18મીને બુધવારે ઈન્ડોનેશિયાના સુલાવેસીમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC)એ જણાવ્યું હતું કે, ઈન્ડોનેશિયાના સુલાવેસી વિસ્તારમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 145 કિમીની ઉંડાઈ પર હતું. તે અગાઉ ઈન્ડોનેશિયામાં સોમવારે પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. પ્રશાંત મહાસાગરમાં રિંગ ઓફ ફાયર પર ઈન્ડોનેશિયાની સ્થિતિના કારણે ત્યાં ભૂકંપનું જોખમ વધુ રહે છે.
10 જાન્યુઆરીએ આવ્યો હતો 7.6નો ભૂકંપ
તો 10મી જાન્યુઆરી-2023ના દિવસે પણ ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.6 માપવામાં આવી છે. અમેરિકન જિયોલોજિકલ સર્વે (USGS)એ આ માહિતી આપી હતી. USGS એ અહેવાલ આપ્યો હતો કે, ઇન્ડોનેશિયા અને પૂર્વ તિમોરના સમુદ્રની નીચે 7.6ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા ઈન્ડોનેશિયાના તુઆલ ક્ષેત્રના 342 દક્ષિણપૂર્વમાં અનુભવાયા હતા. યુરોપીયન સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે, ઈન્ડોનેશિયાથી 2000 કિલોમીટરથી વધુ દૂર ઓસ્ટ્રેલિયા અને પૂર્વ તિમોરમાં પણ આંચકા અનુભવાયા હતા. ભૂકંપના જોરદાર આંચકાના કારણે લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. આ ભૂકંપ વખતે ઈન્ડોનેશિયાની જિયોફિઝિક્સ એજન્સીએ દેશમાં સુનામીની ચેતવણી જાહેર કરી હતી. જોકે, એજન્સીએ થોડા જ સમય બાદ એલર્ટ હટાવી દેવામાં આવ્યું હતું.
ઈન્ડોનેશિયામાં અવારનવાર ભૂકંપ
ઉલ્લેખનીય છે કે, ૨૭ કરોડની વસતિ ધરાવતા ઈન્ડોનેશિયામાં અવારનવાર ભૂકંપ ત્રાટકે છે. ઈન્ડોનેશિયાના પેટાળમાં જ્વાળામુખીઓની રિંગ હોવાથી આ વિસ્તારમાં સૌથી વધુ ભૂકંપ ત્રાટકવાની શક્યતા છે. રિંગ ઓફ ફાયર તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા ઈન્ડોનેશિયામાં હજુ તો ફેબ્રુઆરીમાં જ 6.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ ત્રાટક્યો હતો, જેમાં 25નાં મોત થયા હતા અને અસંખ્ય ઈમારતોને નુકસાન પહોંચ્યું હતું. 2021માં જાન્યુઆરીમાં 6.2ની જ તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો, જેમાં 100 લોકોનાં મોત થયા હતા અને 6200ને ઈજા થઈ હતી. 2004માં પણ ભૂકંપ ને સુનામીના કારણે ઈન્ડોનેશિયા સહિતના દેશોમાં તારાજી સર્જાઈ હતી.