Today Gujarati News (Desk)
દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ ઈન્ડોનેશિયામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. લગભગ 78 લોકોને લઈ જતી એક સ્પીડબોટ અહીં ડૂબી ગઈ હતી. આ અકસ્માત બાદ તરત જ બચાવકર્મીઓએ ત્યાંના લોકોને બચાવવાનું કાર્ય શરૂ કરી દીધું હતું.
ઈન્ડોનેશિયામાં આજે વહેલી સવારે પશ્ચિમ ઇન્ડોનેશિયાના ટાપુ પાસે એક મોટી દુર્ઘટના બની હતી. આશરે 78 લોકોને લઈ જતી એક સ્પીડબોટ સમુદ્રમાં ડૂબી ગઈ હતી. આ અકસ્માત બાદ તરત જ પેકનબારુ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીના બચાવકર્મીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી. એક સ્થાનિક એજન્સીના જણાવ્યા અનુસાર 11 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. દુર્ઘટનામાં મોટાભાગના પીડિત મહિલાઓ અને બાળકો છે.આ સ્પીડબોટનું નામ એવલિન કેલિસ્ટા 01 જણાવવામાં આવી રહ્યું છે. મોટાભાગના મુસાફરો તેમના પરિવાર સાથે ઈદ-ઉલ-ફિતરની રજાઓ બાદ ઘરે પરત ફરી રહ્યા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે સ્પીડબોટ ડૂબી જવાના કારણની હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ કેટલાક બચી ગયેલા લોકોએ અધિકારીઓને જણાવ્યું હતું કે જોરદાર પવનને કારણે સ્પીડબોટ એક મોટા લોગ સાથે અથડાયા બાદ અચાનક પલટી ગઈ હતી અને બોટ સમુદ્રમાં ડૂબી ગઈ હતી.
માછીમારો અને ડાઈવર્સ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ
આ અકસ્માત બાદ મળેલા અહેવાલો મુજબ અત્યાર સુધીમાં 58 લોકોને બચાવવામાં આવ્યા છે. આ સિવાય પણ ઘણા લોકો કલાકો સુધી પાણીમાં તણાઈને બેહોશ થઈ ગયા હતા. હજુ પણ ઘણા લોકોની શોધખોળ ચાલુ છે. માછીમારોની બોટની મદદથી ડૂબી ગયેલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘણા ડાઇવર્સ પણ લોકોને બચાવવા માટે પાણીમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.