Today Gujarati News (Desk)
ઈન્દોરમાં રામનવમીના પાવન દિવસે એક મંદિરમાં રામજન્મની ઉજવણી થઈ રહી હતી તે દરમિયાન વાવની છત તૂટી પડતાં ઘણા લોકો વાવમાં પડી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 35 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં એક વ્યક્તિ હજુપણ લાપતા છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. આ દુર્ઘટનામાં 11 કચ્છીઓના મોત થયા હતા.
મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવેલા બેલેશ્વર મહાદેવ મંદિરમાં ગઈકાલે રામનવમીના પાવન દિવસે હવન ચાલી રહ્યો હતો એ દરમિયાન પગથિયા નજીકની વાવની છત તૂટી પડતાં 50થી વધુ લોકો વાવમાં પડી ગયા હતા આ ધટનામાં અત્યાર સુધી 35 લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં એક ડઝનથી વધુ લોકોને ઈજા પહોંચી હતી. બચાવ કામગીરી હાથ ધરીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 18 લોકોને બચાવી લેવાયા આવ્યા છે જેમાંથી 16 વ્યક્તિ સારવાર હેઠળ છે.
કચ્છના જિલ્લાના 11 લોકોના મોત
ઈન્દોર ખાતે સર્જાયેલી દુર્ઘટનામાં 11 કચ્છીઓના મોત નિપજ્યાં છે. આ તમામ હતભાગી કચ્છના નખત્રાણા તાલુકાના કચ્છ પાટીદાર સમાજના હોવાનું સામે આવ્યું છે. મૂળ કચ્છના પાટીદાર સમાજના ઘણા લોકો ઇન્દોરમાં વસવાટ કરે છે. એક સાથે 11 લોકોના મૃત્યુ થતા જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.