Today Gujarati News (Desk)
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે રાજ્યને G20ની ત્રણ મહત્વપૂર્ણ બેઠકોનું પ્રતિનિધિ આપવા બદલ આભાર માન્યો હતો. મુખ્યમંત્રી ધામીએ વડાપ્રધાનને ચારધામ યાત્રા, આદિ કૈલાશ અને લોહાઘાટ સ્થિત માયાવતી આશ્રમની મુલાકાત લેવા પણ આમંત્રણ પાઠવ્યું હતું.
CM ધામી અને વડાપ્રધાન મોદી વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક યોજાઈ હતી, જેમાં જોશીમઠ સહિત વિવિધ વિકાસ કામોને લઈ ચર્ચાઓ કરાઈ હતી. મુખ્યમંત્રી ધામીએ રાજ્યના વિકાસ સંબંધિત જુદા જુદા વિષયો પર ચર્ચા કરી વડાપ્રધાન મોદી પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચમોલીના જોશીમઠ વિસ્તારમાં ભૂસ્ખલન પીડિતોના રાહત અને વિસ્થાપનની કામગીરી અંગે માહિતી આપતાં જણાવ્યું કે, તેમને ભૂસ્ખલનને લઈ રૂ.2942.99 કરોડના આર્થિક પેકેજની જરૂર છે. આ પેકેજમાં 150 પ્રિ-ફેબ્રિકેટેડ મકાનોનું બાંધકામ, સાઈટ ડેવલપમેન્ટ કાર્ય, અસરગ્રસ્તો માટે ભથ્થું મહત્વનું છે.