Today Gujarati News (Desk)
કોરોના બાદ કોઈ પણ જાતના પ્રતિબંધ વિનાની ઉતરાયણને લોકોએ મન ભરીને માણી હતી. સુરતમાં ઉત્તરાયણની રાત્રે દિવાળી જેવો માહોલ થયો હતો તો સાંજે સાત વાગ્યે જાણે હનુમાન જયંતિ હોય તેવો માહોલ ઉભો થયો હતો. સુરતના અનેક ટેરેસ પરથી સાંજે સાત વાગ્યે એક સાથે હનુમાન જયંતિ સ્પીકર પર શરૂ થતાં સમગ્ર વાતાવરણ હનુમાન ચાલીસા થી ગુંજી ઉઠ્યું હતું.
હિન્દુઓના તહેવારો ઉત્તરાયણમાં દાન પુણ્ય પણ મોટો મહિમા છે તેના કારણે લોકોએ પતંગ ચગાવી ખાણીપીણી કરવા સાથે દાન પુર્ણ્ય પણ કર્યું હતું અને ગાયને ખવડાવીને વર્ષોથી ચાલી આવતી ઉત્તરાયણની પરંપરા યથાવત રાખી હતી. દિવસ દરમિયાન લોકોના ઘર- એપાર્ટમેન્ટના ટેરેસ પર ફિલ્મી ગીતોની ધૂમ મચી હતી. તો રાત્રી દરમિયાન દિવાળી આવી ગઈ હોય તેમ આતશબાજી અને ફટાકડા ફુટ્યા હતા.
આ વર્ષે ઉતારયણ શનિવારના રોજ હોવાથી કેટલાક લોકોએ સોશિયલ મિડિયા પર શનિવાર અને ઉતરાયણ સાથે હોય શનિવારની સાંજે દરેકે હનુમાન ચાલીસા ટેરેસ પર વગાડવી જોઈએ તેવી અપીલ કરી હતી. સોશિયલ મીડિયા પર થયેલી આ અપીલ લોકોને ઘણી જ અસર કરી ગઈ હતી. શહેરના મોટા ભાગના રહેણાંક વિસ્તારમાં બરાબર સાત વાગ્યાના ટકોરે એક સાથે હનુમાન ચાલીસા વાગવાના શરુ થયું હતું. અલગ અલગ રાગમાં વાગતી હનુમાન ચાલીસાના કારણે વાતાવરણ ધાર્મિક બની ગયું હતું અને જાણે આજે ઉતરાયણ નહી પરંતુ હનુમાન જયંતિ હોય તેવો માહોલ ઉભો થયો હતો.