રાજસ્થાનના જોધપુરના કીર્તિનગર વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં 4 લોકો જીવતા સળગી ગયા. 16 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. પ્રચંડ ધડાકો થતાં એક કિલોમીટર વિસ્તારમાં અફરાતફરી મચી હતી. કલેક્ટર હિમાંશુ ગુપ્તાએ જણાવ્યું કે શનિવારે બપોરે 2 વાગ્યે ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગ દરમિયાન ગેસ લીકેજ થઈ હતી. આજુબાજુ કોલોનીમાં પાર્ક કરેલી ગાડિઓ પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. મૃતકોમાં 3 બાળકો સહિત એક યુવક સામેલ છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ મકાન કોજારામ લોહારનું છે. કોજારામના ચાર ભાઈઓનો પરિવાર આ જ મકાનમાં રહે છે. હોસ્પિટલમાં દાખલ 16 પૈકી 8 લોકોની હાલત નાજુક છે.કોજારામનો પુત્ર ગેસ રિફિલિંગનું કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. જોકે દુર્ઘટના કયા કારણોસર બની એ વાતની પુષ્ટિ હજુ સુધી થઈ નથી. આ ઘટના બાદ સીએમ અશોક ગેહલોતે ટ્વીટ કરીને સ્થાનિક તંત્ર પાસેથી માહિતી મેળવી હતી.
આ ઘરમાંથી લગભગ ચાર ડઝન ઘરેલું અને કોમર્શિયલ સિલિન્ડરો બહાર કાઢવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘર એક હોકરનું છે જે લોકોના ઘરે સિલિન્ડર પહોંચાડે છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં ઘરનો એક ભાગ પણ ધરાશાયી થયો છે. માહિતી મળતાં જ કલેક્ટર અને એસપીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.