Today Gujarati News (Desk)
ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પાછા લાવવાની કવાયત હજુ ચાલી રહી છે. 278 લોકોને આઈએનએસ સુમેધા દ્વારા રવાના કરાયા બાદ વિમાન દ્વારા પણ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર ભારતીય વાયુસેનાના બે એરક્રાફ્ટની મદદથી પહેલા 121 અને પછી 135 એમ કુલ 256 જેટલા લોકોને હવાઈ માર્ગે બચાવવામાં આવ્યા છે. આ લોકોને જિદ્દાહ પહોંચાડી દેવાયા છે. આઈએનએસ સુમેધા પણ જિદ્દાહ પહોંચી ગયું છે.
માહિતી અનુસાર સુદાનમાં હિંસા વચ્ચે ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા ભારત સરકાર ઓપરેશન કાવેરી ચલાવી રહી છે. ભારતના વિદેશ મંત્રાલય તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર આઈએનએસ સુમેધા 278 લોકોને લઈને જિદ્દાહ પહોંચી ગયું છે. બીજી તરફ સુદાન ઈન્ડિયન એરફોર્સનું C-130J એરક્રાફ્ટ પણ 135 ભારતીયોને લઈને જિદ્દાહ પહોંચી ગયું છે. ભારતીયોની આ ત્રીજી બેચ હતી. 121 લોકો સાથે બીજી બેચ પણ જિદ્દાહ પહોંચી ગઈ હતી.
વિદેશમંત્રીએ આભાર વ્યક્ત કર્યો
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વિટ કરીને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાન અને અન્ય અધિકારીઓનો સહયોગ બદલ આભાર માન્યો હતો. જ્યારે કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને ટ્વિટ કર્યું, “જે લોકો જિદ્દાહ પહોંચી ગયા છે, તેઓ માટે ભારતની આગળની યાત્રા ટૂંક સમયમાં શરૂ થશે.
72 કલાકનું યુદ્ધવિરામ
સુદાનમાં 72 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે, જેના પર બંને સેનાપતિઓ સહમત થયા હતા. આ અંગે માહિતી આપતાં અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને જણાવ્યું કે 10 દિવસમાં લડાઈને કારણે સેંકડો લોકોના મોત થયા છે અને ઘણા વિદેશીઓ ભાગી ગયા છે. બ્લિંકને કહ્યું કે આ પહેલા પણ સુદાનમાં યુદ્ધવિરામ કરાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ અમે નિષ્ફળ ગયા. બ્લિંકને જણાવ્યું કે 24 એપ્રિલથી 72 કલાક માટે યુદ્ધવિરામ લાગુ રહેશે. આ પહેલા ફ્રાન્સની વાયુસેના સુદાનથી પાંચ ભારતીયોને લાવી હતી.