Today Gujarati News (Desk)
કર્ણાટકના મૈસૂરથી અયોધ્યા પહોંચેલી બે વિશાળકાય શિલાઓના સેમ્પલ લઈને નિષ્ણાતો ખાસ મંથન કરી રહ્યા છે. નેપાળ બાદ કર્ણાટકથી પથ્થર આવવાનો શું અર્થ છે? અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સાથે જોડાયેલી એક સંસ્થાના અધિકારી અનુસાર હજુ તો વધુ પથ્થર આવશે અને બધામાંથી સૌથી શ્રેષ્ઠ અને ઉચ્ચ ગુણવત્તા વાળા પથ્થરોની પસંદગી રામ મંદિરની મૂર્તિ બનાવવામાં કરવામાં આવશે. હજુ કોઈ પથ્થરને મૂર્તિ માટે અંતિમ રૂપથી પસંદ કરવામાં આવ્યા નથી.
વીએચપીના કેન્દ્રીય મંત્રી રાજેન્દ્ર સિંહ પંકજે જણાવ્યુ મૈસૂરથી લાવવામાં આવેલી બે શિલાઓ પણ હાલ રામસેવક પુરમમાં રાખવામાં આવી છે. પંકજે કહ્યુ તમામ શિલાઓને એકઠી રાખવામાં આવી રહી છે. મૂર્તિ કલાના નિષ્ણાંત આ પથ્થરોને પોતાના માનક પર પરીક્ષણ કરીને મૂર્તિ નિર્માણની પ્રક્રિયા શરૂ કરશે. હજુ વધુ પથ્થર પણ આવશે અને મૂર્તિકાર તેમાંથી અનુકૂળ સામગ્રીની પસંદગી કરશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યુ ભારતમાં જ્યાં જ્યાં પણ આ પ્રકારના પથ્થર ઉપલબ્ધ છે, તે તમામ મંગાવવામાં આવી રહ્યા છે. ચંપત રાયના જણાવ્યા અનુસાર એ જરૂરી નથી કે જે પથ્થરોને મંગાવવામાં આવી રહ્યા છે, તેનાથી જ મૂર્તિઓ બની જાય. ટ્રસ્ટ મહાસચિવે કહ્યુ મૂર્તિકલાના નિષ્ણાત જ નક્કી કરશે કે કયા પથ્થરથી મૂર્તિ બની શકે છે. મૂર્તિકલા નિષ્ણાતની સ્વીકૃતિ બાદ જ રામલલાની મૂર્તિનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છેકે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામની નગરીમાં ભગવાન રામનું ભવ્ય મંદિર બની રહ્યુ છે. મંદિરનું નિર્માણ તીવ્ર ગતિ સાથે કરવામાં આવી રહ્યુ છે. મંદિરમાં ગર્ભગૃહનું કાર્ય ડિસેમ્બર 2023માં પૂરુ થઈ જશે અને જાન્યુઆરી 2024 એટલે કે મકર સંક્રાંતિના દિવસે ભગવાન રામ પોતાના ગર્ભ ગૃહમાં વિરાજમાન થશે. બીજી તરફ ભગવાન રામની પ્રતિમા માટે દેશ જ નહીં વિદેશો સુધીના પથ્થર અયોધ્યા લાવવામાં આવી રહ્યા છે.