Today Gujarati News (Desk)
દક્ષિણ ભારતીય રાજ્ય કર્ણાટકની ચૂંટણી રસપ્રદ થવાના અણસાર છે તેનું કારણ 2004, 2008 અને 2018 ચૂંટણીના પરિણામો છે જ્યારે રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા હતી. હવે 2023માં આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે અને સત્તાધારી BJP અને કોંગ્રેસ બંને ત્રીજા પક્ષ જનતા (સેક્યુલર) ને રોકવાનો સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે BJP અને કોંગ્રેસ બંને પાર્ટી સમજે છે કે 224 બેઠકો ધરાવતા કર્ણાટકમાં બહુમતિ મેળવવાનો એકમાત્ર રસ્તો JDSની પ્રગતિને રોકવાનો છે. બંને મોટી પાર્ટીઓ રેલીઓ અને કાર્યક્રમોમાં JDS વિરૂદ્ધ પ્રચાર કરી રહી છે. ત્યારે JDS પણ ખુલ્લેઆમ પલટવાર કરી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેલગાવીમાં એક ચૂંટણી રેલી દરમિયાન પ્રદેશમાં BJPની બેઠકો વધારવાની વાત કરી હતી. વર્ષ 2004, 2008 અને 2018માં BJP સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી પરંતુ બહુમતીનો આંકડો પ્રાપ્ત કરી શકી નહોતી. પરિણામે પાર્ટીને 2006માં JDS સાથે જવું પડ્યું અને 2008 તથા 2018માં પક્ષપલટા દ્વારા સત્તામાં આવી હતી.