Today Gujarati News (Desk)
દક્ષિણના રાજ્ય તમિલનાડુમાં જ્યાં દહીં પર સંગ્રામ શરૂ થઈ ગયું છે. ત્યાં પાડોશી ચૂંટણી રાજ્ય કર્ણાટકમાં દૂધને લઈને સંઘર્ષ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે ગુજરાતની પ્રસિદ્ધ ડેરી અમૂલ કંપનીને રાજ્યમાં એન્ટ્રી આપવી તે ભાજપનું કાવતરું ગણાવ્યું છે. વિધાનસભાની ચૂંટણીના ટાણે અમૂલની કર્ણાટકમાં એન્ટ્રીએ તેને ચૂંટણીનો મુદ્દો બનાવી દીધો છે.
અમૂલ ડેરીને મોટો આંચકો લાગ્યો
આ દરમિયાન દૂધની લડાઈમાં અમૂલ ડેરીને મોટો આંચકો લાગ્યો છે. બૃદહ બેંગ્લુરુ હોટેલ્સ એસોસિએશને રાજ્યના ખેડૂતોને સમર્થન આપતા ફક્ત નંદિની દૂધનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. રાજકીય સંઘર્ષ વચ્ચે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા જે ૨૦૧૩થી ૨૦૧૮ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા છે તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતની ડેરી બ્રાંડે તેમના શાસનકાળમાં રાજ્યમાં એન્ટ્રી લેવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમણે એ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો પણ હવે ભાજપ તેમનું ખુલ્લા હાથે સ્વાગત કરી રહ્યો છે.
અમિત શાહે શું કહ્યું હતું
ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્ણાટકની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે અમૂલ અને નંદિની કર્ણાટકના દરેક ગામમાં સાથે મળીને ડેરીની સ્થાપના કરવાની દિશામાં કામ કરશે અને જે ગામમાં ડેરી નહીં હોય ત્યાં પણ તેને સ્થાપિત કરાશે. આ મામલે કોંગ્રેસે કહ્યું કે આ ભાજપની ચાલ છે અને આરોપ મૂક્યો કે ગુજરાતના બે મોટા નેતા પીએમ મોદી અને અમિત શાહ કર્ણાટકની લોકલ બ્રાન્ડ નંદિનીને બંધ કરવા માગે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે નંદિની રાજ્યની જીવનરેખા છે પણ ભાજપના નેતા અમારા પર અમૂલને થોપવા માગે છે.