Today Gujarati News (Desk)
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે કાશી અને અયોધ્યાની કાયાપલટ કરાયા પછી હવે નૈમિષારણ્યના વિકાસનો વારો છે. તેમણે જનતાને ‘સ્થાનિક એકમોની ચૂંટણીમાં રાક્ષસના રૂપમાં ભ્રષ્ટાચારીઓ, બદમાશો, માફિયાઓ અને અપરાધીઓને પાઠ ભણાવવા’ અપીલ કરી હતી.
સીએમ યોગીએ અનેક સભાઓ સંબોધી
યોગી આદિત્યનાથે સીતાપુર, લખીમપુર ખેરી અને બલરામપુરમાં સ્થાનિક એકમોની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની તરફેણમાં આયોજિત સભાઓને સંબોધિત કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સીતાપુર જિલ્લાના મેળાના મેદાન મિસરિખ ખાતે એક જાહેર સભામાં કહ્યું, “કાશી ચમકી ગયું છે, અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, મથુરા-વૃંદાવનની કાયાપલટ કરવાનું કામ પણ ચાલી રહ્યું છે ત્યારે હવે નૈમિષારણ્યનો વારો છે.
સ્થાનિક એકમોની ચૂંટણીને દેવાસુર સંગ્રામ ગણાવ્યું
રાજ્યમાં યોજાનારી સ્થાનિક એકમોની ચૂંટણીને ‘દેવાસુર સંગ્રામ’ તરીકે વર્ણવતા સીએમ યોગીએ કહ્યું કે નૈમિષારણ્યની આ ભૂમિમાંથી મહર્ષિ દધીચિએ એક સમયે દૈવી શક્તિઓના વિજય માટે વજ્ર બનાવવા માટે પોતાના અસ્થિઓ આપ્યા હતા. યોગીએ કહ્યું કે આ ચૂંટણીમાં “ભ્રષ્ટાચારીઓ, બદમાશો, માફિયાઓ અને રાક્ષસોના રૂપમાં અપરાધીઓને પાઠ ભણાવવાનો” સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે કાશી વિશ્વનાથ ધામની જેમ જ નૈમિષારણ્યની કાયાપલટ કર્યા બાદ અહીં ધાર્મિક પર્યટન વધશે જેનાથી દરેક ક્ષેત્રમાં મોટા પાયે રોજગારની તકો ઊભી થશે.
શું કહ્યું મુખ્યમંત્રીએ?
સીએમ યોગીએ કહ્યું, “સીતાપુર જિલ્લાનું પોતાનું ગૌરવ છે. વિશ્વનો સૌથી જૂનો ઈતિહાસ સીતાપુર જિલ્લાના નૈમિષારણ્યનો છે, આ સ્થળ હંમેશા અમારા માટે અત્યંત આસ્થાનું કેન્દ્રબિંદુ રહ્યું છે.” ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી નૈમિષારણ્ય લગભગ 80 કિમી દૂર સીતાપુર જિલ્લામાં ગોમતી નદીના કિનારે આવેલું એક પ્રખ્યાત હિંદુ યાત્રાધામ છે. તે હજારો ઋષિઓના નિવાસસ્થાન તરીકે ઓળખાય છે. નૈમિષારણ્યના પૌરાણિક મહત્વને ધ્યાનમાં રાખીને સરકારે ‘નૈમિષારણ્ય તીર્થ વિકાસ પરિષદ’ની રચના કરાઈ છે.