Today Gujarati News (Desk)
પુલવામાં કાશ્મીરી પંડિતની આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ નારાજ લોકોએ ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના રાજીનામાની માંગ કરી છે. કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ સાથે જોડાયેલા લોકોએ પી.એમ. નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પાસે માંગ કરી છે કે કાશ્મીરમાં પંડિતોની સુરક્ષા મજબૂત કરવામાં આવે. એટલું જ નહીં તેમણે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાને પદ પરથી હટાવવાની પણ માંગ કરી છે. કાશ્મીરી પંડિતોના સંગઠને એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ‘કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ તમને હાથ જોડીને અપીલ કરે છે કે તમે તમારા અંગત એજન્ડાને બાજુ પર રાખીને આ સમસ્યાને ગંભીરતાથી લો. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાને તાત્કાલિક હટાવવામાં આવે.’
કાશ્મીરી પંડિતોએ કહ્યું હતું કે આતંકવાદીઓ દરરોજ લોકોને મારી રહ્યા છે. કાશ્મીરી પંડિતોએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તાત્કાલિક કડક કાર્યવાહીના આદેશ જારી કરવામાં આવે. કાશ્મીરી પંડિતોની હત્યા કરનારા આતંકવાદીઓનો નાશ થવો જોઈએ.કાશ્મીરી પંડિતો ઉપરાંત અન્ય લઘુમતી સમુદાયો પણ ખીણમાં જોખમનો સામનો કરી રહ્યા છે. તેઓ પણ દરરોજ આતંકવાદીઓના હાથે મોતનો શિકાર બની રહ્યા છે. આ લોકોએ અપીલ કરી હતી કે કેન્દ્ર સરકારે કાશ્મીરમાં કોઈપણ પ્રયોગ બંધ કરી દેવો જોઈએ. અહીં લોકો માર્યા જાય છે અને આ સ્થિતિ ચાલુ રહી શકે નહીં.
કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિએ કહ્યું કે કાશ્મીરમાં સ્થિતિ વણસી રહી છે. અહીં કાશ્મીરી પંડિતોની આજીવિકા અને જીવન સામે ખતરો છે. હિંદુઓ અહીં ભય હેઠળ જીવી રહ્યા છે. કલમ 370 હટાવ્યા પછી પણ અહીં કોઈ સુધારો થયો નથી. ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ અન્ય એક ટાર્ગેટ કિલિંગમાં આતંકવાદીઓએ બેંકમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા કાશ્મીરી પંડિતની હત્યા કરી નાખી હતી. પુલવામાના અચનના રહેવાસી સંજય શર્મા પર શંકાસ્પદ આતંકવાદીઓએ ફાયરિંગ કરી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે સંજય શર્મા પોતાના સ્કૂટર પર માર્કેટ જઈ રહ્યા હતા.