દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરામાં રોડ શો કરવા માટે પહોંચ્યા હતા. 3 વાગ્યાનો રોડ શોનો સમય હતો. પરંતુ કેજરીવાલ છેક 6 વાગ્યે વડોદરા પહોંચ્યા હતા. આ પહેલા રોડ શોના સ્થળે બેનર્સના મુદ્દે ભાજપ અને AAPના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જોકે, પોલીસે મામલો થાળે પાડ્યો હતો.રોડ શો પહેલા વડોદરાના એરપોર્ટ બહાર રોડ પર ‘હિન્દુ વિરોધી કેજરીવાલ ગો બેક’નું લખાણ લખવામાં આવ્યું હતું. આ ઉપરાંત અરવિંદ કેજરીવાલના પોસ્ટર અને બેનર હટાવવા મુદ્દે આપ અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને ઘર્ષણ સજાર્યું હતું.વડોદરાના ન્યાય મંદિર ખાતે મોટી સંખ્યામાં આપ અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા છે. ભાજપ અને આમ આદમીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કેજરીવાલ હિન્દુ વિરોધી છે તેવા પોસ્ટરો ફાડી નાખ્યા હતા.ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષોના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓની ગુજરાત મુલાકાતો, રોડ શો અને સભાઓ થઈ રહી છે. જેમાં આજે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વડોદરામાં રોડ શો કર્યો હતો. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ન્યાય મંદિર શહીદ ભગતસિંહ ચોકથી પોલા ગ્રાઉન્ડ પાસે કિર્તિ સ્તંભ સુધી તિરંગા યાત્રામાં હાજરી આપી હતી. જોકે, કેજરીવાલના રોડ શો પહેલા વડોદરામાં તેમના વિરોધી પોસ્ટર લાગ્યા હતા અને રોડ પર હિન્દુ વિરોધી કેજરીવાલ ગો બેક’નું લખાણ લખવામાં આવ્યું હતું. જેને પગલે વડોદરાનું રાજકારણ ગરમાઈ ગયું છે.