Today Gujarati News (Desk)
દેશમાં નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન 10,993 કિમી નવા નેશનલ હાઈવે બનાવવામાં આવ્યા હતા. આ હાઈવે સરકારના લક્ષ્યાંક કરતાં 13.70 ટકા ઓછા બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના નવા જાહેર કરાયેલા નવા આંકડા દ્વારા આ માહિતી પ્રાપ્ત થઈ છે. પરિવહન મંત્રાલયે જાહેર કરાયેલા નવા આંકડા મુજબ સરકાર નેશનલ હાઈવે બનાવવાના લક્ષ્યાંકને ચૂકી ગઈ છે. દેશમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે નાણાકીય વર્ષ 2022-23 માટે 12,375 કિમીના નેશનલ હાઈવે બનાવવાનું સત્તાવાર લક્ષ્ય નક્કી કર્યું હતું.
દેશમાં નાણાકીય વર્ષ 2020-21માં નેશનલ હાઈવેના નિર્માણની ઝડપ પ્રતિદિન 37 કિલોમીટરની રેકોર્ડ નોંધાઈ હતી. આ ઝડપ નાણાકીય વર્ષ 2022-23માં ઘટીને 30.11 કિલોમીટર પ્રતિ દિવસ થઈ ગઈ હતી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ મુખ્યત્વે દેશમાં નેશનલ હાઈવે અને એક્સપ્રેસવેના નિર્માણ માટે જવાબદાર છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યુ હતું કે દેશમાં 2019-20માં 10,237 કિમી નેશનલ હાઈવેનું નિર્માણ કર્યું હતું. આ ઉપરાંત વર્ષ 2020-21માં 13,327 કિમી અને 2021-22માં 10,457 કિમી નેશનલ હાઈવે બનાવવામાં આવ્યા હતા.