Today Gujarati News (Desk)
કોંગ્રેસી નેતાઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહ તથા ભાજપ વિરુદ્ધ બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપે કથિત રીતે ભડકાઉ નિવેદનો આપ્યા છે તથા દુશ્મની અને નફરતને પ્રોત્સાહન આપ્યું અને વિપક્ષને બદનામ કરવાનું કામ કર્યું છે. જે નેતાઓએ ફરિયાદ નોંધાવી છે તેમાં રણદીપ સિંહ સુરજેવાલા, ડૉ. પરમેશ્વર અને ડીકે શિવકુમાર સામેલ છે.આ પહેલા કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ આ અંગે ટ્વીટ પણ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, ભાજપ અને અમિત શાહ દરરોજ કર્ણાટકનું અપમાન કરી રહ્યા છે.
પ્રિયંકા ગાંધીએ કર્ણાટકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા આપવામાં આવેલી તાજેતરની ટિપ્પણી પર શાસક પક્ષ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કર્ણાટકને હાલના કોઈ નેતાના આશીર્વાદની જરૂર નથી અને ‘જો તેઓ વોટ ન આપવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ ન મળવાની ધમકી આપવી એ રાજ્યની જનતાનું અપમાન છે.