રવિવાર, 9 ઓક્ટોબરના રોજ આસો મહિનાની પૂનમ છે, જેને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. માન્યતા છે કે આ જ તે દિવસ છે જ્યારે ચંદ્ર પોતાની 16 કળાઓથી ધરતી ઉપર અમૃતની વર્ષા કરે છે. શરદ પૂર્ણિમાને કોજાગર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસે ધનની દેવી લક્ષ્મી રાતે ભ્રમણ કરીને કહે છે, કો જાગ્રિતિ। જેનો અર્થ થાય છે કે, કોણ જાગી રહ્યું છે? કહેવાય છે કે, જે પણ વ્યક્તિ શરદ પૂર્ણિમાએ રાતે જાગે છે તેમના ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
કોજાગર પૂર્ણિમા
માન્યતા છે કે, શરદ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીનું પ્રાકટ્ય થયું હતું. આ કારણે દેશના અનેક ભાગમાં આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, જેને કોજાગરી લક્ષ્મી પૂજાના નામથી ઓળખવામાં આવે છે. ઓરિસ્સામાં શરદ પૂર્ણિમાને કુમાર પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે કુંવારી યુવતીઓ સુયોગ્ય વર માટે ભગવાન કાર્તિકેયની પૂજા કરે છે. યુવતીઓ સવારે સ્નાન કરીને સૂર્યને ભોગ ધરાવે છે અને દિવસભર વ્રત રાખે છે, સાંજના સમયે ચંદ્રની પૂજા કર્યા બાદ પોતાનું વ્રત ખોલે છે.
લક્ષ્મીજીનો પ્રાકટ્ય દિવસ
પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે સમુદ્ર મંથન થઇ રહ્યું હતું ત્યારે આસો મહિનાની પૂર્ણિમાએ મંથન દ્વારા મહાલક્ષ્મી પ્રકટ થયાં હતાં. દેવી લક્ષ્મીના પ્રકટ થવાથી આ દિવસને પર્વ કહેવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને કૌમુદ્રી વ્રત રાખવામાં આવે છે.