Today Gujarati News (Desk)
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસ ટૂંક સમયમાં પોતાનું પદ છોડી દેશે. વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાત પ્રમાણે ભારતીય-અમેરિકી વેદાંત પટેલ હવે વચગાળાના પ્રવક્તાનો ચાર્જ સંભાળશે. પટેલ હાલમાં ઉપ પ્રવક્તા તરીકે કામ કરી રહ્યા છે. ટ્રમ્પ પ્રશાસન દરમિયાન વિભાગની દૈનિક પ્રેસ બ્રીફિંગ શરૂ કરવા માટે બ્લિન્કને પ્રાઈસના વખાણ પણ કર્યા હતા. બ્લિન્કને કહ્યું કે કાર્યભાર સંભાળ્યા પછી પ્રાઈસે 200થી વધારે પ્રેસ બ્રીફિંગ કર્યુ અને આ દરમિયાન તેમણે સંવાદદાતાઓની સાથે સાથે પોતાના સહકર્મચારીઓ અને દરેકની સાથે સન્માનજનક વ્યવહાર કર્યો.બાઈડેન પ્રશાસને હજુ સુધી નેડ પ્રાઈસની જગ્યાએ બીજા કોઈના નામની જાહેરાત કરી નથી. જોકે વેદાંત પટેલને વચગાળાના પ્રવક્તાનો ચાર્જ સોંપ્યો છે. પટેલને ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ બાઈડેન પ્રશાસને મહત્વની જવાબદારી સોંપતા ઉપ પ્રવક્તા બનાવ્યા હતા. ગુજરાતમાં જન્મેલા વેદાંત પટેલનો ભારત સાથેનો ગાઢ નાતો છે.
33 વર્ષના ભારતીય-અમેરિકી વેદાંત પટેલનો જન્મ ગુજરાતમાં થયો છે. તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટી, રિવરસાઈડથી ગ્રેજ્યુએશન કર્યુ છે. પટેલ અનેક રાજકીય અભિયાનો પર પણ કામ કરી ચૂક્યા છે. વ્હાઈટ હાઉસમાં અનેક મહત્વની જવાબદારી નિભાવી ચૂક્યા છે. વેદાંત પટેલે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના સહાયક પ્રેસ સેક્રેટરી અને પ્રવક્તાના રૂપમાં કામ કર્યુ હતું. જ્યાં તેમણે શાનદાર મીડિયા સંબંધો અને કમ્યુનિકેશન સ્ટ્રેટેજી મેનેજમેન્ટથી બાઈડેન પ્રશાસનમાં પોતાની એક મહત્વની જગ્યા બનાવી.