Today Gujarati News (Desk)
ગુજરાતમાં સિંહોની સંખ્યા અમરેલીમાં સૌથી વધારે નોંધાયા બાદ હજુ પણ સિંહોની સંખ્યા વધી રહી છે. ત્યારે રોજબરોજ સિંહોની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ગઈરાતે અમરેલી જિલ્લાના રાજુલાના ભેરાઇ ગામમાં 5 સિંહો ઘૂસ્યા હતા અને એક આખલાનો શિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પાંચ સિંહોએ તરાપ મારીને આખલાને પાડી તો દીધો હતો, પરંતુ તેમનો શિકાર અધૂરો રહ્યો હતો. કારણ કે, ખેડૂત જાગી જતાં હાકલા પડકારા કરતાં સિંહોને પાછું ફરવું પડ્યું હતું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.
ખેડૂતે હાકલા પડકારા કરતાં સિંહોને પરત ફરવું પડ્યું
રાજુલાના ભેરાઇ ગામમાં મધરાતે પાંચ સિંહોએ ત્રાડ પાડી આખલા પર તરાપ મારી હતી. જોકે, આ ત્રાડના કારણે દેવદાસ નામના ખેડૂત જાગી ગયા હતા. તેઓ ઘરની છત પર ચડી ગયા હતા અને હાકલા પડકારા કર્યા હતા. જેથી સિંહોને અધૂરો શિકાર મૂકીને પરત ફરવું પડ્યું હતું. સામે આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, ખેડૂતના હાલકા પડકારા કરવા છતાં સિંહો આખલાને મૂકવા તૈયાર નથી થતા, પરંતુ ખેડૂતે હાકલા કરવાનું ચાલુ રાખતાં તેમને શિકાર છોડવો પડે છે.