Today Gujarati News (Desk)
ગુજરાતમાં ભ્રષ્ટાચારી અધિકારીઓની સામે એક્શન લેવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં GSTના અધિકારીઓ પણ લાંચ લેતા ઝડપાયાની ઘટનાઓ વધી રહી CGSTમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ કમિશ્નર પાસે આવક કરતા વધારે સંપત્તિ હોવાની માહિતી સામે આવતા CBIએ તપાસ શરૂ કરી હતી. જેમાં તપાસ દરમિયાન 1 કરોડની સંપત્તિ અને કરોડો રૂપિયાની સ્થાવર સ્થાવર-જંગમ મિલકતો મળી આવી હતી.
3.71 કરોડની અપ્રમાણસર મિલકતો મળી
ગાંધીધામ ખાતે ફરજ બજાવતા એક આસિસ્ટન્ટ કમિશ્નરના ઘરે CBIની ટીમે બાતમીને આધારે સર્ચ કરતાં રોકડા રૂ.42 લાખ, દાગીના, વિદેશી ચલણ, બેંક બેલેન્સ મળીને અંદાજે રૂ.1 કરોડની સંપત્તિ મળી આવી છે. અમદાવાદ, ગાંધીધામ અને રાજસ્થાનના બાડમેરમાં પણ કરોડો રૂપિયાની સ્થાવર-જંગમ મિલકતો મળી આવતા ચકચાર મચી ગઈ છે. ગાંધીધામ ખાતે CGSTમાં આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે ફરજ બજાવતા અને અગાઉ એક્સસાઇઝ ઇન્ટેલિજન્સ અને ઇડીમાં ફરજ બજાવનાર મહેશ ચૌધરીને ત્યાંથી CBIને અત્યારસુધીમાં સત્તાવાર રૂ.3.71 કરોડની અપ્રમાણસર મિલકતો મળી જે તેમની સત્તાવાર આવક કરતાં 74 ટકા વધારે હતી.CBIના સૂત્રો મુજબ મહેશ ચૌધરી અને તેમનાં પત્ની વિરુદ્ધ 8 ફેબ્રુઆરીના રોજ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં જ રૂ.3.71 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી છે. જોકે હાલમાં પણ અમદાવાદ, ગાંધીનગર અને રાજસ્થાન ખાતે સર્ચ ચાલુ જ છે. જેમાં અંદાજે રૂ.10 કરોડની અપ્રમાણસર મિલકત મળવાનો અંદાજ છે. વિગતો મુજબ મહેશ ચૌધરી મૂળ રાજસ્થાનના બાડમેરનો રહેવાસી છે. CBIની ટીમે અમદાવાદમાં ચૌધરીના જે ફલેટમાં સર્ચ કર્યુ હતું. તેની કિંમત અંદાજે રૂ.6 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.