Today Gujarati News (Desk)
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મશ્રીથી સન્માનિત થનારા મહાનુભવોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટના ભજનીક હેમંત ચૌહાણ સહિત સાત મહાનુભાવોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે. આ ઉપરાંત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે.
‘હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું’
આ અંતર્ગત રાજકોટમાં રહેતા અને જાણીતા ભજનીક હેમંત ચૌહાણને પણ પદ્મશ્રી આપવામાં આવશે. ત્યારે ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં હેમંત ચૌહાણે જણાવ્યું હતું કે, પદ્મશ્રી મળવાની જાહેરાત થતા હું ખૂબ ખુશ છું. આ તકે હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગવર્મેન્ટ તરફથી મને જણાવવામાં આવ્યું છે કે, હું પદ્મશ્રી માટે સિલેક્ટ થયો છું. છેલ્લા 42 વર્ષથી હું ભજન ગાઉ છું. સંતોની વાણી ગાઉ છું. ઈશ્વરની આરાધના પણ કરું છું. ત્યારે પદ્મશ્રી મળવાની જાણ થતાં હું ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું.
ભજનીક હેમંત ચૌહાણનો જન્મ 1955માં ગુજરાતના રાજકોટ જિલ્લાના કુંદણી ગામમાં થયો હતો. તેમનું વિશેષ પ્રદાન ભજન ક્ષેત્રે છે. તેમણે ગુજરાતી ભજન-સંતવાણીનાં અનેક આલ્બમોમાં પોતાનો સ્વર આપ્યો છે. આ ઉપરાંત ગુજરાતી ગરબાનાં કેટલાય આલ્બમોમાં પણ તેમણે પોતાનોનો સ્વર આપ્યો છે. શ્રોતાને શબ્દેશબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ તેમની સૌથી મહત્વની વિશેષતા છે.
પંખીડા ઓ પંખીડા , વિણેલાં મોતીનું હે માનવ વિશ્વાસ કરી લે, હળવી વાણીનું તું રંગાઇ જાને રંગમાં વગેરે તેમની અત્યંત લોકપ્રિય થયેલી રચનાઓ છે. હિન્દી ભજનનાં પણ તેમનાં કેટલાંક આલ્બમ બહાર પડેલાં છે, જેમાં કહત કબીર ભાગ 1 અને 2 અને પ્રદીપ ભજન (સુર મંદિર) નોંધનીય છે. સંતવાણી – ગરબાના ગાયન ઉપરાંત તેઓએ પોતાના કેટલાંક આલ્બમોમાં સંગીત પણ આપ્યું છે.